સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th February 2021

સર્વોત્તમ ડેરી દ્વારા દૂધ ખરીદીમાં સર્વશ્રેષ્ઠ ભાવવધારો : કિલોફેટે રૂ.૭૦૫

ભાવનગર તા.ર૦ : ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના મેનેજીંગ ડીરેકટરશ્રી અને અમૂલ પ્રોગ્રામીંગ કમિટિ મેમ્બર એચ.આર.જોષીની યાદીમાં જણાવવામાં આવે છે કે હાલ જે ૬૭૫ કિલોફેટે ચુુકવાય રહ્યા છે. તેમાં રૂ.૩૦ વધારો કરી તા.૨૧-૦૨-૨૦૨૧થી અમલમાં આવે તે રીતે ખરીદભાવ રૂ.૭૦૫ કરવામાં આવેલ છે. આમ કોરોના મહામારીને લીધે થયેલ મોંઘવારીના ભરડાને પહોચી વળવા આ વર્ષે સતત ચોથી વખત સર્વશ્રેષ્ઠ ભાવવધારવાનો નિર્ણય સર્વોત્તમ ડેરી દ્વારા કરવામાં આવેલ છે.

સર્વોત્તમ ડેરી આજે વિશ્વમાં દૂધ અને દૂધની બનાવટોમાં મંદીના વાતાવરણમાં પણ સામાન્ય રીતે ભાવ ચુકવવામાં હંમેશા અગ્રેસર રહી છે. હાલ ગુજરાતના બીજા દૂધ સંઘો કરતા ઘણા વધારે ભાવ ચુકવી રહી છે.

કોરોના વાઇરસ મહામારીના કપરા સમયે  સામાન્ય રીતે દૂધની ખપત ખૂબ જ ઓછી હોવા છતા દૂધ ઉત્પાદકોને આર્થિક વળતર વધુ મળે તેવા શુભ આશયથી સને ૨૦૧૯-૨૦  ફેબ્રુઆરીના માસમાં પ્રતિકિલો ફેટે રૂ. ૬૬૫ ભાવ હતો જે સને ૨૦૨૦-૨૧ ના ફેબ્રુઆરી માસમાં પ્રતિકિલોફેટે રૂ.૭૦૫ કરવામાં આવેલ છે.

આ સર્વોત્તમ ડેરી દ્વારા કોરોના વાઇરસ મહામારીમાં ચોથી વખત ભાવવધારાના કારણે જિલ્લાના દૂધ ઉત્પાદકોને પ્રતિ માસ આશરે ત્રણેક કરોડ જેટલી વધારે રકમ સર્વોત્તમ ડેરી દ્વારા ચુકવવામાં આવશે. જેનાથી દૂધ ઉત્પાદકોને હાલ કોરોના વાયરસની મહામારીમાં આર્થિક લાભ થશે. હર હંમેશ ભાવનગર જિલ્લામાં શ્વેત ક્રાંતિ થકી આર્થિક ક્રાંતિ લાવવામાં સર્વોત્તમ ડેરીનો અમુલ્ય ફાળો રહેલ છે.

(11:34 am IST)