સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th April 2021

સૌરાષ્ટ્રમાં યમરાજનો પડાવ : કોરોનાથી આમરણ પંથકમાં ૪, ટંકારા -ભાવનગરમાં ૩ મોત

કોરોના મહામારીએ વિકરાળ રૂપ ધારણ કરતા લોકોમાં ભારે ફફડાટ

રાજકોટ,તા. ૨૦: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર -કચ્છમાં કોરોના મહામારીએ વિકરાળ રૂપ ધારણ કરી લેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

દરરોજ રાજકોટ સહિત અનેક કોરોનાગ્રસ્ત દર્દીઓ મોતને ભેટે છે. અને યમરાજનો પડાવ હોય તેવા માહોલ સર્જાયો છે.

ગઇ કાલે આમરણ ચોવીસી પંથકમાં ૪ના મોત, ટંકારા અને ભાવનગરમાં ૩-૩ દર્દીઓના મોત થયા છે.

આમરણ

(મહેશ પંડ્યા દ્વારા) આમરણ : આમરણ ચોવીસી પંથકમાં કોરોના મહામારીએ ભયાવહ સ્થિતી ધારણ કરેલી છે. આજે એક જ દિવસમાં ૪ વ્યકિતઓના મૃત્યુ નિપજતા શોકની લાગણી છવાઇ છે. ૨ વેપારી ૧ પૂર્વ સરપંચ ૧ નિવૃત તલાટીનો કોરોનાએ ભોગ લીધો હોવાનું જાણવા મળે છે. આમરણના વેપારી અગ્રણી રમેશચંદ્ર છગનલાલ ચગ (ઉવ.૭૦) તથા રાઘવજીભાઇ ધનજીભાઇ વાઘડિયા, ખારચિયાના પૂર્વ સરપંચ અને જોડિયા તાલુકાના રાજપૂત સમાજના અગ્રણી પરાક્રમસિંહ કિરીટસિંહ જાડેજા (ઉવ.૪૦) તથા બેલા ગામના નિવૃત તલાટી મંત્રી લાખાભાઇ મોહનભાઇ ડાંરગ (ઉવ.૭૦)નું અવસાન થતા શોકની લાગણી છવાઇ છે.આમરણ સહિત આજુબાજુના ગામોમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં દરરોજ વધારો થઇ રહ્યો છે. ઘણા બધા કુટુંબો એવા છે જેમના તમામ સભ્યો કોરોનાગ્રસ્ત બન્યા છે. શહેરોની તમામ હોસ્પિટલો હાઉસફૂૂલ હોવાથી બેડ નહિ મળવાને કારણે લાચારી અનુભવી રહ્યા છે. આમરણ ખાતે વેપારી મંડળે હજુ સુધી સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત કરી નથી તેમ છતા લોકો હવે કોરોનાના ડરને કારણે ઘરની બહાર નીકળવાનું સ્વયં ટાળી રહ્યા હોવાની બજારો સૂમસામ ભાસી રહી છે.

ટંકારા

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારાઃ ટંકારામાં ઘરે ઘરે સંક્રમણ ફેલાયેલ છે,તાવ ઉધરસનો રોગચાળો વકર્યો છે. ટંકારા તાલુકાના અનેક ગામોમાં આવીજ ભયંકર સ્થિતિ છે. ટંકારા તાલુકાના નેસડા સુરજી ગામે દસ દિવસમાં નવ વ્યકિતઓના મૃત્યુ થયેલ તેનાથી પણ વધુ ખરાબ સ્થિતિ ટંકારાની છે .

ટંકારામાં સોમવારના રોજ ત્રણ વ્યકિતઓના મૃત્યુ થયેલ છે. છેલ્લા એક અઠવાડિયા થી દરરોજ બે થી ચાર દર્દીઓના મૃત્યુનો સિલસિલો ચાલુ રહ્યો છે. હિન્દુ - મુસ્લિમ બંને બિરાદરીમાં અનેક લોકો મૃત્યુ ને શરણે થયેલ છે.એકજ કુટુંબના બે ભાઈઓના મોત થયા છે . એકજ કુટુંબની બે વ્યકિતઓ મૃત્યુ પામેલ છે.

એક દર્દીને ઓકસીજન નું લેવલ ઘટતા, ઓકિસજનની સુવિધા માટે હોસ્પિટલમાં દાખલ કરવા કુટુંબીજનો એ મોરબી, રાજકોટ, જામનગર અમદાવાદ માં ગાંધીનગરની હોસ્પિટલોમાં એક બેડની જગ્યા માટે અનેક પ્રયત્નો કર્યા ,અનેક લોકો ની ભલામણ કરાવી, લાગવગ લગાડી કાલકુદી કરી પણ કામ ન આવી. એક પણ હોસ્પિટલમાં જગ્યા નમળી.અમો સારવાર અપાવી ન શકયાનો પરિવારને ભારે રંજ, દુઃખ છે.

ટંકારામાં લોકો ડર સાથે જીવી રહ્યા છે.લોકો માસ્ક પહેરતા થયા છે. સોશ્યલ ડિસ્ટન્સ જાળવે છે. કામ વગર લોકો હરફર ઓછી કરે છે. બપોર બાદ ગ્રાહકો, માણસો ઓછા દેખાય છે. પરંતુ સરકારી તથા ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. દવાઓ લેવા માટે લાઈન માં રહેવું પડે છે.

ટંકારા તાલુકાના નેકનામ ગામે બપોર પછી સ્વૈચ્છિક લોકડાઉન કરેલ છે. ત્યાં સંક્રમણ વધતું અટકયું છે, ઘટાડો થયો છે.

ટંકારાના માજી સરપંચ કાનાભાઈ ત્રિવેદીએ મૃત્યુનો આંક તથા સંક્રમણ ઘટાડવા બપોર પછી સ્વૈચ્છિક રીતે લોકડાઉન રાખવા લોકોને અનુરોધ કર્યો છે.લોકો પોતેજ સમજી નેજ ઘર બહાર ન નીકળે ઘરમાં જ સલામત રહે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર જિલ્લામા વધુ ૨૧૫ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૯,૧૮૭ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૭૭ પુરૂષ અને ૪૭ સ્ત્રી મળી કુલ ૧૨૪ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જયારે તાલુકાઓમાં સિહોર ખાતે ૩, વલ્લભીપુર તાલુકાનાં પીપળી ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના બુઢેલ ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના અવાણીયા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના ભુંભલી ગામ ખાતે ૬, ભાવનગર તાલુકાના તગડી ગામ ખાતે ૧, મહુવા તાલુકાના વાંગર ગામ ખાતે ૧, જેસર ખાતે ૭, જેસર તાલુકાના ચોક ગામ ખાતે ૧, જેસર તાલુકાના ઇટીયા ગામ ખાતે ૧, ઉમરાળા ખાતે ૧, ઉમરાળા તાલુકાના ધોળા ગામ ખાતે ૨, ગારીયાધાર ખાતે ૧, ઉમરાળા તાલુકાના માંડવા ગામ ખાતે ૨, ઉમરાળા તાલુકાના જાળીયા ગામ ખાતે ૧, ઉમરાળા તાલુકાનાં રંઘોળા ગામ ખાતે ૩, ઉમરાળા તાલુકાના લીંબડા ગામ ખાતે ૨, તળાજા તાલુકાના વેળાવદર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના કઠવા ગામ ખાતે ૨, તળાજા તાલુકાના મણાર ગામ ખાતે ૨, તળાજા તાલુકાના પાદરી(ગો) ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ઝાંઝમેર ગામ ખાતે ૨, તળાજા તાલુકાના કેરાળા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના સરકડીયા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ઝરીયા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ભુતિયા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના સરકડીયા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના સણોસરા ગામ ખાતે ૧, સિહોર તાલુકાનાં સોનગઢ ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ગુંદાળા ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ટાણા ગામ ખાતે ૨, સિહોર તાલુકાના બેકડી ગામ ખાતે ૧, સિહોર તાલુકાના બોરડી ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૮, તળાજા તાલુકાના ઘાટરવાડા ગામ ખાતે ૨, તળાજા ખાતે ૨, ભાવનગર તાલુકાનાં થોરડી ગામ ખાતે ૩, પાલીતાણા તાલુકાના લીલીવાવ ગામ ખાતે ૧, મહુવા તાલુકાના ખાટસુરા ગામ ખાતે ૧, મહુવા ખાતે ૬, મહુવા તાલુકાના કંટાસર ગામ ખાતે ૧, મહુવા તાલુકાના કુંભણ ગામ ખાતે ૧, મહુવા તાલુકાના સેદરડા ગામ ખાતે ૩, મહુવા તાલુકાના દુધાળા નં.૧ ગામ ખાતે ૧, મહુવા તાલુકાના તલગાજરડા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ત્રાપજ ગામ ખાતે ૧, ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના બોરડા ગામ ખાતે ૧, મહુવા તાલુકાના મોણપર ગામ ખાતે ૧, પાલીતાણા તાલુકાના માંડવડા ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૯૧ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.

આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા એક કોરોના પોઝિટિવ દર્દી તેમજ વલ્લભીપુર તાલુકાના પાટણા ગામ અને ભાવનગર તાલુકાના નાગધણીબા ગામ ખાતે રહેતા કોરોના પોઝિટિવ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે.

(11:37 am IST)