સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th April 2021

ભાવનગરનો એન્‍જિનિયર યુવાન ઈરાનમાં જહાજમાં ફસાયો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૦: છેલ્લા છ માસથી કાર્ગો જહાજ ફસાયેલું છે તેમાં ભારતના ૧૦ ક્રૂ મેમ્‍બરો છે તે પૈકી ત્રણ ગુજરાતના છે અને ધ્‍યેય કમલભાઈ હળવદિયા ભાવનગરના છે. મૂળ માલિક કાર્ગો ઓનર અને એજન્‍ટ વચ્‍ચે સર્જાયેલા મતભેદોને કારણે જહાજને ઇરાનના બંદર પાસપોર્ટ પર અટકાવાયેલું છે. હું મેમ્‍બરોને તેઓના દ્યર સુધી જવા માટે જરૂરી સીડીસી, પાસપોર્ટ જેવા સત્તાવાર દસ્‍તાવેજો પણ એજન્‍ટ દ્વારા છીનવી લેવામાં આવ્‍યા છે.

ધ્‍યેય હળવદીયાએ સોશિયલ મીડિયા મારફત વીડિયો વાયરલ કરતા જણાવ્‍યું હતું કે ૧૯મી ઓક્‍ટોબર ૨૦૨૦ ના રોજ ઇરાનના બંદર બસ ખાતે કાર્ગો લોડિંગ માટે અમે આવ્‍યા હતા. શિપિંગ એજન્‍ટ, શિપના માલિક, કાર્ગો માલિક વચ્‍ચે મતભેદો સર્જાયા બાદ જહાજના એજન્‍ટ તે તમામ ક્રુ મેમ્‍બરો ના સીડીસી, પાસપોર્ટ અને જહાજ ના દસ્‍તાવેજો છીનવી લીધા હતા. હવે અમે લોકો છેલ્લા છ મહિનાથી ઇરાનના બંદર અબ્‍બાસ પોર્ટ ના ઇનર એન્‍કરેજ ખાતે ફસાયેલા છીએ. અમારે લોકોએ ઘરે જવું છે પણ પ્રત્‍યુત્તર આપવામાં આવતા નથી.

ઘરે જવા માટે સાઈન ઓફ થવા માટે અનેક પત્રો લખ્‍યા પરંતુ તેનો કોઈ જવાબ આવતો નથી. પીવાના પાણી અને જમવાનું જથ્‍થો હવે મર્યાદિત છે, ડીઝલ પણ ઓછું હોવાથી અમે માત્ર ચાર કલાક જ જનરેટર ચલાવી અને રસોઈ બનાવી લઈએ છીએ તથા મોબાઇલ ચાર્જ કરી લઈએ છીએ. શિપના માલિક દ્વારા અમોને માત્ર એક મહિનાનો પગાર આપવામાં આવ્‍યો છે, કોન્‍ટ્રાક્‍ટ પૂરો થઈ ગયો તેને પણ છ મહિના થઇ ગયા છતાં કોઈ એક્‍શન લેવામાં આવી રહ્યા નથી. મધદરિયે અમારી હાલત જર્જરિત બની રહી છે. ભારતના ૧૦ ક્રૂ મેમ્‍બર આ અંગે કેન્‍દ્રીય મંત્રી મનસુખ માંડવિયા એ જણાવ્‍યું હતું કે સંબંધિત મંત્રાલયને કાર્યવાહી કરવા માટેના આદેશ આપવામાં આવ્‍યા છે. ભારતના દૂતાવાસ વચ્‍ચે પણ વાતચીત ચાલુ થઈ ગઈ છે તેના પરિવાર સાથે વાત કરી છે. સરકાર તમામ પ્રયાસો કરી રહી છે.

(11:39 am IST)