સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th April 2021

ઉનાના સીમર દરિયાકાંઠે શેવાળની ખેતી કરીને આજીવિકા મેળવતા ૨૦ પરિવારો

(નવીન જોષી દ્વારા) ઉના તા.૨૦ : તાલુકાના સિમર ગામે દરિયાઇ શેવાળની લઘુરૂપી ખેતીથી ૨૦ પરિવારોએ શેવાળની ખેતી કરી ૧૫૦૦ કિલોનું વેચાણ કરી આજીવિકા મેળવી સધ્‍ધર બન્‍યા છે. કેન્‍દ્ર સરકાર રાજય સરકાર દ્વારા યોજના દ્વારા માર્ગદર્શન તાલીમ શિબિર યોજી વધુ લોકોની આજીવિકાના દ્વારરા ખોલ્‍યા છે.

ઉના તાલુકાના સિમર ગામે છેલ્લા સમયથી ગુજરાત ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી ભુજ અને કલાઇમેટ ચેન્‍જ ડિપા. ગાંધીનગર દ્વારા સમુદ્રી શેવાળની સામુહીક ખેતી કરી સિમર ગામની મહીલાઓ અને માછીમારોને ઓછુ રોકાણ વધુ આવકનો પ્રોજેકટ શરૂ કરાયો હતો. ૨૦૧૯ થી આ સમુદ્રી શેવાળની ખેતી ચાલુ છે. આ યોજના ઉના તાલુકાના ૨૦૫ પરિવારો જોડાયા છે અને તેમને સંપુર્ણ તાલીમ પણ આપી હતી. આ પ્રોજેકટ માટે ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીએ આ સમુદ્રી શેવાળની ખેતીની પ્રશંસા કરી અને પ્રધાનમંત્રી મત્‍સ્‍ય સંપદા યોજના અંતર્ગત ૬૩૭૬ કરોડ રૂપિયા યોજના માટે ફાળવેલ છે. અધિકારી ડાયરેકટર વિજયકુમાર,  ડો.રચનાબેન, ડો.નકુલભાઇ ભટ્ટ, ડો.દુર્ગાપ્રસાદ, ડો.પ્રભુ દ્વારા એક શિબિર યોજી હતી. જેમાં માહિતી આપી હતી કે, આ સિમરના ૨૦૫ પરિવારની મહિલાઓ દ્વારા સંસ્‍થાને સામુદ્રી શેવાળનું બીજ આપેલ જે સિમરના દરિયાકિનારે જયા દરિયાનું પાણી રહેતુ હોય ત્‍યા ઝાળમાં બીજ બાંધી તેની માવજત કરેલ છે. ટુંકા સમયમાં હાલ સમુદ્રી શેવાળનું સંવર્ધન કરી ૧૫૦૦ કિલો એટલે દોઢ ટનનું ઉત્‍પન્‍ન કરી હતી અને આ સમુદ્ર શેવાળની ખરીદી ઉનાના વેપારીએ સ્‍થળ ઉપર ખરીદી કરી લીધી હતી અને આ વેચાણની જે રકમ આવશે તે તમામ મહિલાઓના બેંકના ખાતામાં જમા કરવામાં આવશે.

આ અંગે અધિકારીઓએ જણાવેલ કે સૌરાષ્‍ટ્રમાં સિમર બંદરનો દરિયાકિનારો ખૂબ અનુકુળ છે. જો વધુ માછીમાર પરિવારો માછીમારી સાથે સમુદ્ર સેવાળની ખેતીમાં જોડાય તો વધુ ઉત્‍પાદન કરી વધુ આવક મેળવી શકશે તેથી વધુ પરિવારોને જોડાવવા અપીલ કરી છે.

આ સમુદ્ર શેવાળનો ઉપયોગ વિવિધ દવાઓમાં, જેલ બનાવવા, કોસ્‍મેટીક પ્રસાધનોમાં ઉપયોગ લેવાય છે. આ સમુદ્ર શેવાળમાં કેરેડીયન નામનું તત્‍વ મળી  આવે છે. જેની ભારતભરમાં ખૂબ માંગ છે અને વિદેશમાં પણ નિકાસ કરેલ છે. આ સેવાળનો પણ ઉંચો ભાવ મળે છે. આ સંપુર્ણ યોજના કેન્‍દ્ર સરકારની છે. સુરક્ષીત સલામત છે તેમ જણાવેલ હતુ. ઉના પંથકમાં એક પણ ઉદ્યોગ નથી તો સમુદ્ર શેવાળની ખેતી કરાય તો ઘણી કંપની પણ આવીશકે તેમ છે.

(11:55 am IST)