સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th April 2021

જામનગર ખાતે કોવિડ દર્દીઓ માટે નવા ૩૭૦ ઓકિસજન સજ્જ બેડ અને ૪૦૦ બેડની કોવિડ કેર સેન્ટરની તૈયારીઓ પૂરજોશમાં

ડેન્ટલ, આયુર્વેદ અને મેન્ટલ હોસ્પિટલ ખાતે ઓકિસજન સાથે સુસજ્જ ૩૭૦ પથારીની વ્યવસ્થાઓનું નિર્માણ

જામનગર તા.૨૦: હાલ કોરોનાની બીજી લહેરમાં સમગ્ર રાજયમાં સંક્રમણનો ખૂબ ફેલાવો થયો છે. ઓકિસજનની જરૂરિયાત ધરાવતા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે હાલ જામનગર ખાતે ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલમાં વર્ષ ૨૦૨૦માં ૧૨૦૦ બેડની વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવેલ હતું. જેમાં સંક્રમણમાં ખૂબ વધારો થવાથી હાલ ૧૬૦૮ બેડ સુધીની વ્યવસ્થાઓ નિર્મિત કરી દર્દીને સારવાર આપવામાં આવી રહી છે.

ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ, જામનગર ખાતે હાલ જામનગર જિલ્લા સિવાયના મોરબી, રાજકોટ જિલ્લાના દર્દીઓ ખૂબ મોટી સંખ્યામાં સારવાર લઇ રહ્યા છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા,પોરબંદર, અમરેલી, જૂનાગઢ જિલ્લાના દર્દીઓ પણ જામનગરની જી.જી હોસ્પિટલ ખાતે સારવાર લેવા માટે આવી રહ્યા છે.

આ સમયમાં દરેક દર્દીની જિંદગીને બચાવવાની પ્રાથમિકતા સાથે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ખાતે હાલ ચાર બિલ્ડિંગમાં કોવિડના દર્દીઓની સારવાર માટે ઓકિસજન, વેન્ટિલેટર વગેરે સારવાર માટેની સર્વે આવશ્યક સાધન સુવિધા સજ્જ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ દિનપ્રતિદિન દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ૧૭ એપ્રિલના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જામનગરમાં વધુ ૩૭૦ ઓકિસજનની સુવિધાયુકત પથારીની વ્યવસ્થાના નિર્માણ અંગે જાહેરાત કરી હતી, જેની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે.તંત્ર દ્વારા જામનગર શહેરમાં સરકારી ડેન્ટલ હોસ્પિટલ, મેન્ટલ હોસ્પિટલ અને આયુર્વેદ હોસ્પિટલ ખાતે ઓકિસજન સાથે સુસજજ પથારી વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે સાથે જ દર્દીઓના પરિજનોને પણ ત્યાં કોઇપણ તકલીફ ન રહે તે માટે હેલ્પ ડેસ્ક, રજીસ્ટ્રેશન કાઉન્ટરની તમામ સગવડો માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

આ અંગે શ્રી એમ. પી. શાહ મેડિકલ કોલેજના ડીનશ્રી નંદિની દેસાઈએ જણાવ્યું હતું કે, કોઈ પણ દર્દીને સારવારલક્ષી કોઈપણ તકલીફ ઉત્પન્ન ન થાય તે માટે જી.જી.હોસ્પિટલ ખાતે ચાર અલગ-અલગ બિલ્ડિંગમાં થઈ ને કુલ ૧૬૦૮ બેડની વ્યવસ્થા થઈ ચૂકી છે. આ ઉપરાંત ઓકિસજનના અભાવે વેઇટિંગમાં એમ્બ્યુલન્સમાં રહેલ કોઈ દર્દીને પણ તકલીફ ન પડે તે માટે દર્દીને એમ્બ્યુલન્સમાં જ ઓકિસજન સિલિન્ડરની વ્યવસ્થા કરીને તત્કાલ સારવાર શરૂ કરી દેવામાં આવે છે.આ ઉપરાંત બીજા તબક્કામાં ડેન્ટલ હોસ્પિટલ, આયુર્વેદ હોસ્પિટલ અને મેન્ટલ હોસ્પિટલને પણ ઓકિસજન સાથે સુસજ્જ બેડમાં પરિવર્તિત કરવાની સંપૂર્ણ તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી ચુકી છે, પરંતુ કન્સલ્ટન્ટસ, દર્દીની સ્થિતિ અને પરિજનોની સવલતોને ધ્યાને રાખીને આગામી સમયમાં દર્દીઓને તબક્કાવાર ત્યાં શિફ્ટ કરવામાં આવશે. આ ઉપરાંત જી.જી.હોસ્પિટલમાંથી શિફ્ટ કરાયેલ નોન કોવિડ સેવાઓ પણ આયુર્વેદ હોસ્પિટલના સંકુલમાં કાર્યરત છે, જયાં મેડિસિન વિભાગના ડોકટરો દર્દીઓની સેવામાં રત છે.

વળી જે દર્દીઓની સ્થિતિ સ્ટેબલ છે, તેમને સારવાર માટે કોવિડ કેર સેન્ટરમાં મોકલવામાં આવી રહ્યા છે. જેમાં જામનગર ખાતે હાલ ઈ.એસ.આઇ.એસ હોસ્પિટલમાં ૨૫ બેડ કાર્યરત હતા જેમાં ઉમેરો કરી સમરસ હોસ્ટેલમાં નવા ૪૦૦ બેડની સુવિધા સાથે કોવિડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવનાર છે. જિલ્લાના તમામ ડોકટર, પેરામેડિકલ, સર્વે આરોગ્ય કર્મીઓ ખૂબ ઉત્સાહપૂર્વક દર્દીઓની સેવામાં સમર્પિત છે પરંતુ આ સાથે જ જો જામનગરવાસીઓનો પણ સહયોગ મળે તો આ મહામારીને અટકાવવામાં સફળતા મળશે તેમ ઉમેરી ડિનશ્રીએ લોકોને ઘરમાં રહી સ્વસ્થ રહેવા માટે અપીલ કરી હતી.

 : સંકલન :

દિવ્યા ત્રિવેદી

માહિતી મદદનીશ

ફોટો- માહિતી બ્યુરો,જામનગર

(12:56 pm IST)