સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th April 2021

દ્વારકામાં ૧૮ સહિત જીલ્લામાં નવા ૩૭ કેસઃ ૩નો ભોગ લઈ લેતો કોરોના

ખંભાળીયામાં હોસ્પીટલો ફુલઃ બાટલા મળતા નથી, હવે દવાઓ પણ ઓછી થઈઃ ખાલી બેડ ન હોય દર્દીઓ મરી રહ્યા છે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૨૦ :. દ્વારકા જિલ્લામાં ગઈકાલે ૨૪ કલાકમાં ૩૭ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે. ભાણવડમાં ત્રણ, કલ્યાણપુરમાં નવ, ખંભાળિયામાં સાત અને સૌથી વધુ દ્વારકામાં ૧૮ નોંધાયા છે !!

કોરોના મહામારીમાં મોતનો આંક ૧૭ હતો તેમાં ગઈકાલ ત્રણનો ઉમેરો થતા ૨૦નો મૃત્યુઆંક થયો છે. જ્યારે એકટીવ પોઝીટીવ કેસોની સંખ્યા ૩૪૪ થઈ છે.

રાજપરા, કલ્યાણપુર, મીઠાપુર, ખંભાળિયા શહેર, ભાતેલ, ખંભાળિયા, ઓખા, વાડીનાર, બાંકોડી, દ્વારકા શહેર, રાણ, ભાટીયા, ચાંદવડ, બીરલા પ્લોટ દ્વારકા, લાઈટ હાઉસ દ્વારકા, ટીવી સ્ટેશન દ્વારકા, જૂની ખડપીઠ પાસે દ્વારકા, સુરજકરાડી દ્વારકા, મોટા કાલાવડ ભાણવડ, ચપટ તા. કલ્યાણપુર, બાંકોડી કલ્યાણપુર, માલેતા કલ્યાણપુર, નંદાણા કલ્યાણપુર વિ. ગામોમાં પોઝીટીવ કેસો આવ્યા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના રોગચાળો વ્યાપક થતા સરકારી હોસ્પીટલમાં વેન્ટીલેટર તથા ઓકિસજન બેડ ફુલ વેઈટીંગની સ્થિતિ, ખાનગી હોસ્પીટલો જ્યાં કોરોનાની સારવારની સવલત છે તેમાં પણ દર્દી ફુલની સ્થિતિ તથા વેઈટીંગ, ઓકિસજન બાટલા રૂ. પાંચ હજારની ડીપોઝીટમાં મળતા તે કયાંય મળતા જ નથી !! ઓકિસજનના ઓટોમેટીક મશીન કે જે ૨૫ / ૨૭ હજારના મળતા હતા તે ૫૦ / ૫૫ દેતા પણ મળતા નથી અને જે આપે છે તે કંપનીઓ પણ એડવાન્સ પેમેન્ટ સાથે એકાદ નંગ વેઈટીંગમાં ૪ - ૫ દિવસે આપે છે.

સતત વધતા કોરોનાના કેસમાં તેના માટે જરૂરી દવાઓ જે ખાનગી મેડીકલોમાં મળતી તે પણ હવે ઓછી થવા માંડી છે તો સારા માસ્ક, ઓકિસમીટર, થર્મલગન પણ હવે ઓછી થવા માંડયા છે.

હાલ કેરોનાના દર્દીની સંખ્યાઓ વધવા માંડતા સામાન્ય મેડીકલ પ્રેકટીશનરો પમ કોરોનાની સારવાર કરવા માંડયા છે તો કોરોના દર્દી હવે ગામડાઓમા સામાન્ય ડીગ્રીવાળા ડોકટરની સારવાર લેતો થઈ ગયો છે !!

સ્થિતિ દ્વારકા જિલ્લામાં બહુ વિકટ થવા લાગી છે.

ઓકિસજન લાઈન વ્યવસ્થાની તાકીદે જરૂરત છે !!

દ્વારકા જિલ્લામાં ખંભાળીયામાં એક માત્ર વેન્ટીલેટર તથા ઓકિસજનની લાઈન સાથે વ્યવસ્થા સરકારી હોસ્પીટલમાં છે. હાલ દ્વારકા જિલ્લાના સૌથી છેટા વિસ્તાર દ્વારકા તથા ઓખા વિસ્તારના દર્દીઓ કોરોનાગ્રસ્ત થાય ત્યારે દ્વારકામાં પુરતી ઓકિસજન સુવિધા ના હોય તેમને ખંભાળિયા ૯૦/૧૨૦ કિ.મી. દૂર ગંભીર સ્થિતિમાં પહોંચાડવા પડે અને અહીં પણ હાલ વેન્ટીલેટર તથા ઓકિસજન બેડમાં દર્દી ફુલ હોય જામનગર લઈ જવા પડે તો ત્યાં લાઈન હોય દર્દીઓના મૃત્યુ થાય તેવી સ્થિતિ ઉભી થઈ હોય દ્વારકાની સરકારી હોસ્પીટલમાં ઓકિસજન લાઈન સાથે સુવિધા પ્રાપ્ત થાય તેવી માંગ ઉઠી છે.

સ્વૈચ્છીક લોકડાઉન વ્યાપક !!

ખંભાળીયામાં કોરોના મહામારી વધતા જુદા જુદા ચૌદ એસોસીએશનો દ્વારા સ્વૈચ્છીક રીતે સવારથી સાંજના ચાર વાગ્યા સુધી જ દુકાનો બંધ !! રોજગાર ચાલુ રાખીને પછી બંધ કરવા નક્કી કરાયેલુ તેને શરૂઆતમાં નબળો પ્રતિસાદ મળ્યો હતો પણ હાલ કોરોના કેસમા વેગ આવતા સ્વયંભુ લોકડાઉન જેવી સ્થિતિ થઈ જાય છે. અનેક ઓફિસ તથા દુકાનવાળા ચાર વાગ્યા પહેલા બંધ કરી દેતા સાંજે છ વાગ્યે મુખ્ય બજારો સૂમસામ થઈ જાય છે.

અગાઉ પોલીસને માસ્ક માટે કડક થવુ પડતુ હતું જ્યારે હવે સ્વયંભુ આ નિયમનું પાલન લોકો કરી રહ્યા છે, તે ત્યાં સુધી કે ભીડવાળી જગ્યા એ તો કેટલાક લોકો ડબલ માસ્ક લગાવીને જતા દેખાય છે તો ખાણીપીણીની રેંકડીઓ પર સોશ્યલ ડિસ્ટન્સ રાખીને ખાતા ગ્રાહકો નજરે ચડે છે.

(12:58 pm IST)