સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th April 2021

લોકો નિરોગી રહે તે ઠાકોરજીને પણ ગમશે, કોરોનાકાળમાં કાલે રામનવમીની પૂજા ઘરે બેઠા જ કરજોઃ પૂ. મોરારીબાપુ

રાજુલામાં આજથી બાકી રહી ગયેલી ૬ દિવસની શ્રીરામકથાનો પ્રારંભઃ શ્રોતાઓ વગર ઓનલાઈન આયોજન

રાજકોટ, તા. ૨૦ :. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના શ્રી વૃંદાવનધામ રામપરા અને મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર રાજુલાના લાભાર્થે ગયા માર્ચ મહિનામાં પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રીરામકથાનું આયોજન કરાયું હતું પરંતુ કોરોનાના કારણે તે કથા ૩ દિવસ બાદ મુલત્વી રાખવામાં આવી હતી. જેનો આજથી વૃંદાવન ધામ ખાતે પ્રારંભ થયો છે.

પૂ. મોરારીબાપુએ આજે પ્રથમ દિવસે જણાવ્યુ હતુ કે કોરોના મહામારીને કારણે આજે સીમીત માત્રામાં એટલે કે ૧૦થી ૧૨ ભાવિકોની હાજરીમાં જ શ્રીરામકથા યોજાય છે અને કોરોના ગાઈડલાઈનનું પુરતુ પાલન કરવામાં આવશે.

પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યુ હતુ કે હાલમાં ચૈત્ર નવરાત્રી ચાલુ છે. કાલે રામનવમી છે એટલે ભગવાન શ્રી રામનો પ્રાગટય દિવસ. આ દિવસે શ્રીરામ મંદિરોમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે અને પૂજન-અર્ચન-દર્શનનો લાભ લે છે પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે ભાવિકોએ ઘરમાં જ રહીને શ્રીરામનવમીની ઉજવણી કરવી જરૂરી છે. ભાવિકો નિરોગી રહે તે ઠાકોરજીને પણ ગમશે તેથી સાદાઈથી શ્રીરામ ભગવાનના ફોટા સામે ઘરમાં જ પૂજન-અર્ચન કરીને રામનવમીની ઉજવણી કરજો.

પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યુ કે મેં મારા વતન તલગાજરડામાં પણ ભાવિકોને મંદિરમાં આવ્યા વગર ઘરે રહીને જ રામનવમીની ઉજવણી કરવા જણાવ્યુ છે અને ઘરે બેઠા જ ભાવિકોને પ્રસાદી મળી જશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

પૂ. મોરારીબાપુના વ્યાસાસને આયોજીત શ્રીરામકથાને સફળ બનાવવા માટે રાજુલાના ધારાસભ્ય અંબરીશભાઈ ડેર, લોક કલાકાર માયાભાઈ આહીર, ભરતભાઈ (વિરપુર), ચિમનભાઈ વાઘેલા સહિતના જહેમત ઉઠાવે છે. દરરોજ સવારે ૯.૩૦થી બપોરે ૧.૩૦ વાગ્યા સુધી પૂ. મોરારીબાપુ શ્રીરામકથાનું રસપાન કરાવશે. જેનુ જીવંત પ્રસારણ આસ્થા ચેનલ અને પૂ. મોરારીબાપુની યુ-ટયુબ ચેનલ પર થઈ રહ્યુ છે.

(4:26 pm IST)