સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th April 2021

ભચાઉના છાડવારામાં રિક્ષા પર મહાકાય ઝાડ પડતા માતા-પુત્રના મોત

અચાનક કરા અને ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે રિક્ષા મહાકાય વડના ઝાડ નીચે ઉભી રાખી હતી

ભચાઉ : કચ્છમાં પલટાયેલા હવામાનના કારણે ભચાઉ શહેર અને તાલુકાના અનેક ગામડાઓમાં કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. પવનના ભારે સૂસવાટા સાથે પડેલા વરસાદને કારણે ભચાઉના છાડવારા ગામે એક કરૂણાંતિકા સર્જાઈ હતી. વોંધ ગામનો પરિવાર રિક્ષામાં જતો હતો. દરમ્યાન રિક્ષા ઉપર મહાકાય વડનું વૃક્ષ પડતા દબાઈ જવાથી માતા-પુત્રનું કરૂણ મોત નિપજ્યું હતું.

 પ્રાપ્ત વિગતો મુજબ વોંધ ગામે રહેતા ઈરફાન દાઉદ ઘાંચી નામનો યુવાન સહપરિવાર પોતાના રિક્ષામાં છાડવારા ગામેથી નીકળતો હતો તે દરમ્યાન અચાનક કરા અને ભારે પવન સાથે વરસેલા વરસાદને કારણે રિક્ષા મહાકાય વડના ઝાડ નીચે ઉભી રાખી હતી. દરમ્યાન પવનના ભારે સૂસવાટાના કારણે વડનું ઝાડ જમીનદોસ્ત થયું હતું , જેમાં આખેઆખી રિક્ષા ઝાડ નીચે ચગદાઈ ગઈ હતી. બનાવને પગલે તાત્કાલિક ૧૦૮ અને ભચાઉ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ભચાઉ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ વોંધમાં રહેતા ર૩ વર્ષિય ખતીજાબેન ઈરફાન ઘાંચી અને તેમના દોઢ વર્ષિય પુત્ર આફાન ઈરફાન ઘાંચીનું વડના ઝાડ નીચે ચગદાઈ જવાથી મોત નિપજ્યું હતું , તો પરિવારના સભ્યોમાં દાઉદ સુલેમાન ઘાંચી , કરીમા દાઉદ ઘાંચી અને રયાના રફીક ઘાંચીને ઈજાઓ પહોંચી હતી.

 બનાવને પગલે ઘટના સ્થળે ગ્રામજનોના ટોળા ઉમટી પડ્યા હતા. આગેવાનોએ બચાવ રાહત કામગીરી હાથ ધરી હતી. ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે હોસ્પિટલમાં ખસેડાયા હતા , તો પોલીસે ધરાશાયી થયેલા ઝાડને દૂર ખસેડવા માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.

(8:27 pm IST)