સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th May 2022

માલીયાસણમાં જમીન ખાલી કરવાનું કહી પટેલ બંધુ પર આઠેક શખ્સોનો ધોકા-પાઇપથી હુમલો

રાજકોટના માધવજી ભાલાળા, પ્રશાંત સહિતે કારમાં આવી ધમાલ મચાવીઃ ખૂનની ધમકી પણ દીધાની ફરિયાદઃ કુવાડવા રોડ પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આદરી

સરપંચ યુવરાજસિંહ જાડેજાને જાણ થતાં જ યુવાનના પિતાની સાથે રાજકોટ પહોંચી સારવાર માટે ખસેડ્યો

રાજકોટ તા. ૨૦: માલીયાસણમાં રહેતાં પટેલ યુવાન અને તેના ભાઇ પર રાજકોટના પટેલ શખ્સ સહિત આઠેક જણાએ બે કારમાં આવી ધોકા-પાઇપથી હુમલો કરી જમીન ખાલી કરી દેવા ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે માલીયાસણમાં દરબારગઢ પાસે રહેતાં ખેડુત પ્રકાશ રમેશભાઇ પાનસુરીયા (ઉ.૩૩) નામના પટેલ યુવાનની ફરિયાદ પરથી માધવજી ભાલાળા અને પ્રશાંત સહિતની સામે મારામારી, રાયોટીંગ, ધમકીનો ગુનો નોંધ્યો છે.

પ્રકાશ પાનસુરીયાએ પોલીસને જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહી માલીયાસણમાં મારી ૨ એકર ૯ ગુંઠા ખેતીની જમીન છે તેમાં ખેતી કરી ગુજરાન ચલાવુ છું. માલીયાસણ ગામ રેવન્યુ સર્વે નં. ૧૪૫/૧ પૈકીની એકર ૨/૪ની મારી ખેતીની જમીન અમારી વારસાઇની છે. અમારા દાદા વખતે દસ્તાવેજ થઇ ગયો હતો. જે કોર્ટ મેટર ચાલતી હતી. તેનો દસ્તાવેજ કેન્સલ થયો હતો. એ પછી કોર્ટ મેટર ચાલે છે અને હાલમાં જમીનનો કબ્જો મારી પાસે છે. ગુરૃવારે ૧૯/૫ના રોજ હું અને મારો ભાઇ રસિકભાઇ, પિતા રમેશભાઇ અમારી વાડીએ હતાં ત્યારે માધવજી ગાંડુભાઇ ભાલાળા (રહે. રાજકોટ) તથા એક અજાણ્યો કાર નં. જીજે૩૬બી-૮૦૮૮ લઇને આવ્યા હતાં.

તેમજ બીજી એક કારમાં પ્રશાંત નામનો શખ્સ આવ્યો હતો. તેની સાથે બીજા અજાણ્યા શખ્સો પણ હતાં. આ લોકોએ મને તથા મારા ભાઇ રસિકભાઇને લોખંડના પાઇપથી અને ધોકાથી આડેધડ માર મારવાનું ચાલુ કર્યુ હતું. મને જમણા પગે, માથામાં અને મારા ભાઇને ડાબા પગે તથા માથામાં ઇજા થઇ હતી. માધવજી પાસે પાઇપ, પ્રશાંત પાસે ધોકો અને બીજા અજાણ્યા શખ્સો પાસે પણ ધોકા હતાં. અમારા પર હુમલો કરી આ બધા ભાગી ગયા હતાં. અમને બંને ભાઇઓને ઇજા થતાં સારવાર લેવી પડી હતી. માધવજી સહિતે અમને અમારી જમીન ખાલી કરી દેવાનું કહી મારી નાંખવાની ધમકી આપી હતી. અગાઉ પણ આ રીતે ધમકી મળી હતી.

કુવાડવા પીઆઇ બી. એમ. ઝણકાટની રાહબરીમાં પીએસઆઇ એસ. આર. તડવીએ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

(12:32 pm IST)