સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th May 2022

મોરબી પાસે ટ્રકે બાઇકને ઉલાળતાદંપતિ ખંડીત : પત્‍નીનું મોત

પતિ નારણભાઇને ઇજા : બંનેને રાજકોટ ખસેડાયા બાદ પત્‍નિએ દમ તોડી દીધો

 (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ર૦ :  મહેન્‍દ્રનગર ઘુટુ રોડ પર બેફામ ટ્રક ચાલકે બાઈકને ઠોકરે લેતા બાઈક ચાલક દંપતી ખંડિત થયું છે. જ્‍યાં પ્રથમ પતિ-પત્‍ની બન્નેને હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા પરંતુ પત્‍નીનું સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. આ મુદ્દે મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. 

જેમાં ફરિયાદી નારણભાઇ વિરજીભાઇ મુંધવાએ જણાવ્‍યું હતું કે તે મહેન્‍દ્રનગર ઘુટુ રોડ ઉમા રેસીડન્‍સી સોસાયટીના ગેટની સામે રોડ ઉપર તેમના ધર્મપત્‍ની સાથે બાઈક પર જતા હતા. એ સમયે અજાણ્‍યા ટ્રક ચાલક આરોપીએ પોતાના હવાલા વાળી ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે ચલાવી આવી નારણભાઇના બાઇક નં. -GJ-36-N-1400 ને પાછળના ભાગે હડફેટે લઇ અક્‍સ્‍માત સર્જર્યો હતો. જેમાં નારણભાઇ અને પત્‍ની બાઈક પરથી નીચે પડી જતા નારણભાઇને શરીરે મુઢ માર લાગ્‍યો હતો તેમના પત્‍નીને ડાબી બાજુ માથાના ભાગે તથા ડાબી આંખના ભાગે તથા ડાબા હાથના ભાગે ગંભીર ઇજા થઈ હતી, જ્‍યાં બન્નેને પ્રથમ મોરબી સમર્પણ હોસ્‍પીટલમા અને ત્‍યાથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્‍યા હતા. જ્‍યાં નારણભાઇના પત્‍નીનું ચાલુ સારવાર દરમ્‍યાન મોત નીપજ્‍યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આઇ.પી.સી. કલમ ૨૭૯,૩૩૭,૩૦૪(અ) તથા એમ વી એકટ કલમ-૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(1:21 pm IST)