સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th September 2021

જેતપુરના ગુંદાળા ગામ પાસે દારૂ ભરેલ કારનો ટ્રક સાથે અકસ્માત રસ્તા પર દારૂની નદીઓ : લોકોએ મન મુકીને દારૂની લૂંટ ચલાવી.

દારૂ લેવા માટે પડાપડી કરતા રોડ પર લૂંટાલૂંટ અને ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા.

રાજ્યમાં દારૂબંધી છતા બુટલેગરો બેફામ છે. દારુ પાર્ટી સાથે નબીરા અને દારૂની હેરફેર કરતા બુટલેગરો પકડાયાના અહેવાલ અવાન નવાર આવતા હોય છે. રાજ્યમાં બુટલેગરોને કોઈ ડર ન હોવાનું માલુમ પડી રહ્યું છે અને તેઓ દારૂની ખુલ્લેઆમ હેરફેર કરી રહ્યા છે. કઇંક આવી જ હેરફેરનો પર્દાફાશ રાજકોટ-પોરબંદર હાઇવે પર થયો છે. આ વખતે ઘટના થોડી અલગ બની છે. આ હાઈવે પર દારૂની હેરફેર કરતા બુટલેગરોને અક્સમાત નડ્યો. દારુ લઈને જતી કારનો અકસ્માત થતા રસ્તા પર દારૂની નદીઓ વહેવા લાગી હતી.

 આ અકસ્માત ગુંદાળા ગામ નજીક થયો હતો. અકસ્માત બાદ સ્થાનિકો અને રસ્તે જતા વાહન ચાલકોએ દારૂની રીતસર લૂંટ મચાવી. જેના હાથમાં જેટલી બોટલ આવી તેટલી લઇને ચાલતી પકડી. વિડીયોમાં જોવા મળી રહ્યું છે એમ લોકોએ મન મુકીને દારૂની લૂંટ ચલાવી. કોઇએ બે બોટલ, તો કોઇએ આખે આખી દારૂની પેટીની ઉઠાંતરી કરી. જેટલી હાથમાં આવે તેટલી બોટલ ઉઠાવીને લોકોએ દોટ જ મૂકી છે. દારૂ પણ આજકાલ મોંઘો થયો છે ત્યારે મફતમાં અલગ અલગ બ્રાંડનો અંગ્રેજી દારૂ મળે તો પછી બીજું શું જોઇએ? આવી માનસિકતા ધરાવતા લોકો આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે. હાલ પોલીસે આ સમગ્ર મામલે કારના નંબર આધારે તપાસ શરૂ કરી છે

કારની અંદર આશરે 15 પેટી જેટલો દારૂ ભરેલો હતો. જે દારૂ બુટલેગર અથવા તેનો વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે લઇ જઇ રહ્યો હતો. ત્યારે અચાનક ટ્રક સાથે અકસ્માત થતા આ દારૂનો જથ્થો રોડ પર વેરાઇ ગયો હતો. જેના પગલે દારૂ માટે સ્થાનિકોએ પડાપડી કરી હતી. સૌ પોતાની પાસે રહેલી સગવડ અનુસાર થેલી થેલા ખીચ્ચા જેમાં હાથ આવ્યું તેમાં દારૂ લઇને ભાગી છુટ્યા હતા. જો કે હવે તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેના કારણે આ લૂંટ કરનારા લોકો ઉપરાંત પોલીસ તંત્ર અને સરકારની પણ ફજેતી થઇ રહી છે. 

(12:05 am IST)