સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

વિરનગર-બળધોઇ વચ્ચે કાર પલ્ટી જતા મહેક મકવાણાનું મોત

રાજકોટના ૩ મિત્રો રાજકોટથી જસદણ શ્રી મોગલ માતાજીના મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે દુર્ઘટના સર્જાઇ

તસ્વીરમાં મૃતક તથા પલ્ટી ખાઇ ગયેલ કાર નજરે પડે છે. (તસ્વીર : વિજય વસવાણી -આટકોટ)

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૧૯ :.. રાજકોટ - ભાવનગર હાઇવે ઉપર વિરનગર અને બળઘોઇ ગામ વચ્ચે રાજકોટથી જસદણ મોગલ માતાના મંદિરે દર્શને જતા ચાર મિત્રોની કાર મોડી રાત્રે ર વાગ્યા આસપાસ પ્લ્ટી જતાં એકનું મોત થયું  હતું જયારે ત્રણને ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટથી ચાર વ્યકિત એક વાગ્યા આસપાસ કાર લઇ જસદણ ખાતે આવેલા મોગલ માતાના મંદિરે પાટોત્સવમાં હાજરી આપવા અને દર્શન કરવા નિકળ્યા હતાં.

આ દરમિયાન વિરનગર ગામ પહેલા ગોળાઇમાં કોઇ કારણોસર કાર પલ્ટી જતાં કારમાં સવાર મહેકભાઇ ઉમેદભાઇ મકવાણા ઉ.વ.૩ર જાતે કડીયા રે. (બાપલીયા મેઇન રોડ, સુભાષ બ્રીજ શેરી નં. ૩ અર્જુન પાર્કની બાજુમાં)નું મોત થયુ હતું જયારે પાર્થરાજસિંહ ચંદ્રસિંહ ચાવડા રહે. માધાપર ચોકડી પાસે, હરદિપસિંહ ચૌહાણ, અને ધૃવરાજસિંહ રાઠોડને ગંભીર ઇજા થતા પ્રથમ જસદણ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

આ ચારેય વ્યકિત કાર નં. જી.જે.-૦૩-એલ. આર. ર૧૪૭ લઇને જસદણ ખાતે મોગલ માતાના મંદિરે પાટોત્સવ નિમિતે રાત્રે ભજનનો લ્હાવો લેવા આવતા હતાં.આ બનાવની જાણ થતા જસદણ ૧૦૮ ના પાઇલોટ દેવાયતભાઇ રાઠોડ અને ઇ. એમ. ટી. રાહુલભાઇ કુબાવત તેમજ આટકોટ પોલીસ ઘટના સ્થળે દોડી જઇ ઇજાગ્રસ્તોને રાજકોટ સીવીલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડયા હતાં.

આ બનાવની વધુ તપાસ આટકોટ પોલીસના હેડ કોન્સ્ટેબલ રસીકભાઇ મેતરીયા ચલાવી રહ્યા છે.

(4:07 pm IST)