સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

કચ્‍છના ગાંધીધામમાં નેપાળી નોકરો ૪ લાખની લૂંટ ચલાવી ફરાર

હોટેલમાં અને ઘેર કામ કરતા નેપાળી નોકરોએ મહિલાને બાંધી લૂંટ ચલાવી ફરાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૦ :  ધંધાકીય સ્‍થળોએ અથવા તો ઘેર કામ કરતાં નોકરો અને કર્મચારીઓ વિશે પૂરી જાણકારી રાખવી આવશ્‍યક છે. કચ્‍છના ગાંધીધામમાં હોટેલ અને ઘેર કામ કરતાં નોકરોએ કરેલી લૂંટના બનાવે ચકચાર સર્જી છે.
ગાંધીધામના સપના નગરમાં રહેતાં અને રેડ ક્રોસ ચાર રસ્‍તા પાસે નાસ્‍તાની હોટેલ ચલાવતાં રવીન્‍દ્ર ધર્મેન્‍દ્રદાસ ને ત્‍યાં હોટેલમાં તેમ જ ઘેર કામ કરતાં બે નેપાળી નોકરો લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતાં. ચકચાર સર્જનાર આ બનાવ વિશે મળતી માહિતી અનુસાર ગઈ કાલે મોડી સાંજે ફરિયાદી રવિન્‍દ્રદાસના પત્‍ની રેખાબેન ઘેર એકલા હતા ત્‍યારે બન્ને નોકરો નિશાંત બહાદુર અને ધીરેન્‍દ્ર બહાદુર તેમના ઘરમાં ઘૂસ્‍યા હતા અને રેખાબેન ને બંધક બનાવી તિજોરીમાંથી ૧ લાખ રોકડા તેમ જ ૭ તોલા સોનાના દાગીના એમ ચાર લાખની મત્તા લઈ નાસી છૂટયા હતા. જેમ તેમ કરીને રેખાબેન પોતાના હાથ, મોઢું ખોલી પડોશમાં ગયા હતા અને પતિને ફોન ઉપર લૂંટ અંગે જાણ કરી હતી.
બનાવને પગલે પૂર્વ કચ્‍છ પોલીસે એલર્ટ થઈ નાકાબંધી કરી સઘન તપાસ હાથ ધરી છે. બન્ને લૂંટારૂ નોકરોએ મોબાઈલ બંધ કરી નાખ્‍યા છે. શહેરમાં ચકચાર સર્જતા આ બનાવની ઘનિષ્ઠ તપાસ પોલીસે હાથ ધરી છે.

 

(10:01 am IST)