સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

મુન્‍દ્રા ૨૧૦૦૦ કરોડના ડ્રગ્‍સ કેસના ત્રણ આરોપીઓના અમદાવાદ NIA કોર્ટ દ્વારા ૧૦ દિ'ના રિમાન્‍ડ

નાર્કોટિકસ ડ્રગ્‍સ સાયક્રોટોપિક સબસ્‍ટેન્‍સ ડિપાર્ટમેન્‍ટની મદદથી વધુ તપાસ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૦ : મુન્‍દ્રા અદાણી પોર્ટ ઉપરથી ૨૧૦૦૦ હજાર કરોડનું ટર્ન હજાર કિલો હેરોઈન ઝડપાયાંની ઘટનાએ દેશભરમાં ચકચાર સજર્યા બાદ આ સમગ્ર કેસની તપાસ એનઆઈએ દ્વારા હાથ ધરાઈ છે.
આ કેસ માં આયાતકાર દંપતી આશી. ટ્રેડિંગના દંપતી વૈશાલી, સુધાકર તેમ જ રાજકુમાર પી. ની ડીઆરઆઈ એ ગત સપ્‍ટે. ના ધરપકડ કર્યા બાદ તેમની રિમાન્‍ડ મેળવી પૂછપરછ કરાયા બાદ ભુજની જેલ હવાલે કરાયા હતા. વિશ્વમાં ઝડપાયેલા હેરોઈન ના સૌથી વધુ જથ્‍થા બાદ મુન્‍દ્રા અદાણી પોર્ટ દ્વારા ઈરાન, અફઘાનિસ્‍તાન અને પાકિસ્‍તાનથી આવનાર માલ સામાન ઉપર પ્રતિબંધ લગાવાયો છે. ડીઆરઆઈએ પણ કુલ ૧૦ જેટલા અફઘાન, કઝાકિસ્‍તાન ઉપરાંત ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે.
દરમ્‍યાન કેન્‍દ્ર સરકારે પણ હેરોઈન પ્રકરણ સંદર્ભે સમગ્ર કેસની તપાસ એનઆઈએ ને સોંપી છે. તે અન્‍વયે ભુજ જેલમાં બંધ સુધાકર, વૈશાલી તેમજ રાજકુમાર પી. નો કબજો મેળવી એનઆઈએ દ્વારા તેમને અમદાવાદની ખાસ એનઆઈએ કોર્ટમાં રજૂ કરાતાં એડિશનલ સેશન્‍સ જજ પી.સી. જોશીએ વધુ ૧૦ દિવસના રિમાન્‍ડ મંજૂર કર્યા છે.

 

(10:04 am IST)