સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

કોલસાની અછત મોરબીના નળીયા ઉદ્યોગનો મૃત્યુઘંટ વગાડી દેશે?? : ફેક્ટરીઓને લાગી ગયા તાળા!!

મોરબીમાં કોલસાની અછતને લીધે નળીયા ઉધોગ પર સંકટના વાદળો ઘેરાયા
ફોટો
મોરબી :એક સમયે મોરબીની શાન ગણાતો નળિયા ઉધોગ છેલ્લા બે દાયકાથી ઉત્તરોત્તર પતન માર્ગે ધકેલાઈ રહ્યો છે.હાલ ૩૫૦ માંથી ૩૦ જેટલી જ નળિયાની ફેકટરીઓ બચી છે. એ પણ અસ્તિત્વ ટકાવવા માટે ઝઝૂમી રહી છે.કારણ કે હાલ કોલસાની અછતને લીધે આ ઉધોગ પર સંકટના વાદળો ઘેરાયા છે. મુખ્ય ઈંધણ સમાન કોલસો ન મળતા નળિયા ઉધોગની ૩૦ ફેકટરીઓ ચોમાસાના ચાર મહિના પછી ચાલુ જ થઈ નથી. આવીને આવી ગંભીર પરિસ્થિતિ રહી તો નળિયા ઉધોગને ટૂંકાગાળામાં નામશેષ થતા વાર નહિ લાગે.
મોરબીમાં એક સમયે નળિયા ઉધોગનો સુવર્ણ સમય હતો. તે સમયે સીરામીક ઉધોગનું અસ્તિત્વ જ ન હતું અને લોકો પણ ઇમારતવાળા મકાનોને બદલે બેઠાઘાટના નળિયાવાળા મકાનો જ બનાવતા આથી ઘર આંગણે તો ઠીક બહારના રાજ્યો તેમજ ઇવન વિદેશમાં પણ મોરબીના નળીયાની ડિમાન્ડ રહેતી હતી. આથી તે સમયે મોરબીમાં ૩૫૦ થી વધુ નળિયાની ફેકટરીઓ હતી.પણ ૧૯૯૧ પછી સીરામીક ઉધોગનો ઉદય થતા અને લોકોમાં પણ ઇમારતવાળા મકાનોની ઘેલછાને કારણે નળિયા ઉધોગના વળતા પાણી શરૂ થયા છે. આજે પરિસ્થિતિ એવી આવી છે કે મોરબીમાં ૨૫૦ માંથી ૩૦ જેટલી જ નળિયાની ફેકટરીઓ છે.
છેલ્લા બે દાયકામાં નળિયા ઉધોગને વારંવાર મરણોતલ ફાટકા પડ્યા છે. જેમાં હાલ દેશભરમાં ચાલી રહેલી કોલસાની અછતે આ ઉધોગને મુશ્કેલી મૂકી દીધો છે. નળિયા ઉધોગમાં મુખ્ય ઈંધણ કોલસો છે. જો કોલસો ન હોય તો આ ઉધોગ ચાલી જ ન શકે.આથી હાલ કોલસો ન મળવાથી નળિયા ઉધોગ હજુ બંધ છે. ખાસ કરીને ચોમાસામાં આ ઉધોગ ચાર મહિના બંધ રહે છે અને નવરાત્રી આસપાસ ભઠ્ઠી સહિતના રિપેરીગ કામ બાદ ચાલુ થઈ જતો હોય છે.પણ આ વખતે કોલસો ન મળતા હજુ સુધી આ ઉધોગ ચાલુ જ થયો નથી અને ૩૦-૩૦ ફેકટરીઓ બંધ છે. જો કે વાવાઝોડાને કારણે નળિયાની મસમોટી ડિમાન્ડ નીકળી હતી. પરંતુ કોલસાના અભાવે ઉત્પાદન થઈ શક્યું નથી.
નળિયા ઉધોગમાં વપરાતો લિગ્નાઇટ કોલસો કચ્છમાંથી આવે છે. અગાઉ કચ્છમાંથી ૩૨૦૦ થી ૩૩૦૦ ટન જેવો કોલસો આવે છે અને એનો ભાવ ૪ હજાર જેવો થઈ ગયો છે. આ મોંઘા ભાવ ચૂકવવા છતાં કોલસો મળતો નથી.
નળિયાની એક ફેકટરીમાં ૨૦૦ ટન આસપાસ કોલસો જોઈએ એટલે ૩૦ ફેકટરીમાં ૬ થી ૭ હજાર ટન કોલસાની દર મહિને જરૂરિયાત રહે છે. હાલ નળિયાની જબરી ડિમાન્ડ છે.પણ કોલસો ન હોવાથી ઉત્પાદન થઈ શકતું નથી. બજારમાં જે અન્ય કોલસો મળે છે તે ખૂબ ઉંચા ભાવે એટલે કે ૭ હજારથી વધુના ભાવે મળે છે.આથી આ કોલસો કોઈ કાળે પરવડે એમ નથી. તેમ નળિયાના ઉધોગકારો જણાવી રહ્યા છે.

(11:05 am IST)