સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

ગવરીદળ પાસે મોડી રાત્રે આઇસર અને ટ્રક અથડાતાં કાગદડી અને કચ્‍છના ચારને ઇજા

આ રસ્‍તા પર કાયમી ટ્રાફિક જામની સમસ્‍યાઃ ઘાયલોને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૦: રાજકોટ-મોરબી હાઇવે પર ગવરીદળ નજીક મામા સાહેબના મંદિર નજીક મોડી રાત્રે ટ્રક અને આઇશર વચ્‍ચે અકસ્‍માત સર્જાતા બંને વાહનમાં ભારે નુકસાન થયું હતું. આઇશરમાં બેઠેલા ત્રણ યુવાનોને અને ટ્રકના ચાલક મળી ચારને ઇજાઓ થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. ગવરીદળ-રતનપર વચ્‍ચે રાત્રીના સાડા બારેક વાગ્‍યે આઇશર નં. જીજે૨૩એટી-૮૧૬૧ અને ટ્રક નં. જીજે૧૨એઝેડ-૮૧૧૮ વચ્‍ચે અકસ્‍માત સર્જાતા થોડો સમય માટે ટ્રાફિક જામ થઇ ગયો હતો. આઇશરમાં બેઠેલા કાગદડીના દેવાંગ મૈસુરભાઇ સિંધવ (ઉ.૨૭), મનુ સુખલાભાઇ વસુનીયા (ઉ.૨૫) અને કાળુ ભુરીયાભાઇ વસુનીયા (ઉ.૩૦)ને તથા ટ્રકના ચાલક કચ્‍છ ગાંધીધામના સાગરદાન કરણીદાન બારોટ (ઉ.૨૪)ને ઇજા થતાં ચારેયને રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના વાલજીભાઇ નીનામાએ કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. અકસ્‍માત ગ્રસ્‍ત વાહનોની તસ્‍વીર આજે સવારે ગવરીદળના પત્રકાર જીજ્ઞેશ પ્રજાપતિએ લીધી હતી. આ રસ્‍તા પર ટ્રાફિક જામની સમસ્‍યા લગભગ રોજની બની ગયાનું લોકોનું કહેવું છે. કુવાડવા રોડ ગ્રીનલેન્‍ડ ચોકડીએ સિક્‍સ લેન રોડનું કામ ચાલુ હોઇ જેથી આ સમસ્‍યા સર્જાય છે.

 

(11:11 am IST)