સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

સૌરાષ્ટ્રભરમાં ઇદે મીલાદની ઉજવણી : ગામે ગામ જુલૂસ નિકળ્યા

વાંકાનેર શાહબાવા મઝારે નિયાઝ વિતરણ થઇઃ ભાવનગરમાં જુલૂસ મોકૂફ જ રખાયું: મુળીની દરગાહમાં વૃક્ષારોપણ : ચુડા સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આયોજીત સમુહ લગ્નમાં હાજરી આપતા વન-પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા

રાજકોટ તા. ર૦ :.. ઇસ્લામ ધર્મના સ્થાપક હઝરત મુહંમદ પૈગમ્બર સાહેબનો જન્મોત્સવ ગઇકાલે મુસ્લિમ સમાજ દ્વારા ઉજવવામાં આવ્યો હતો જેમાં ખાસ કરીને ગત વર્ષે મહામારીના લીધે પરંપરાગત નિકળતું જૂલૂસ નિકળ્યું ન હતું જે આ વખતે રાજય તંત્ર દ્વારા શરતી મંજૂરી મળતા મુસ્લિમ સમાજમાં હર્ષ ફેલાઇ ગયો હતો અને ઇદે મીલાદ નિમિતે ગામે ગામ ગઇકાલે જૂલૂસ યોજાયા હતા જે સંકલન અહીં રજૂ છે.

વાંકાનેરમાં ૩૦ કિલો શુધ્ધ ઘીની નિયાઝ અપાઇ

વાંકાનેર : પયગમ્બરે ઇસ્લામના જન્મોત્સવ યાને ઇદે મિલાદનું પર્વ વાંકાનેરમાં શાંતિ ભાઇચારોથી સમાપન કરાયુ હતું.

જે અંતર્ગત વાંકાનેરમાં છેલ્લા બાર દિવસથી ઠેરઠેર લાઇટીંગનો શાણગાર જોવા મળ્યો હતો. ઐતિહાસિક દરગાહ હઝરત શાહબાવાના મિનારાઓ સહિત પુરા મઝાર શરીફને લાઇટીંગ શણગાર જોવા લાયક રહ્યો હતો. તેમજ મદિના મસ્જીદ ખાતે હઝરત મહંમદ પયગમ્બર સાહેબના બાલ મુબારકના દીદારનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેનો લાભ અનેક લોકોએ લીધો હતો. લક્ષ્મીપરા, હુસેની ચોક વાળી શેરીમાં અફઝલ લાખા તથા તેની ટીમે  ૧૧ દિવસ સુધી આમ ન્યાઝનું આયોજન કરેલ.

વાંકાનેરમાં ઇદે મિલાદ  ઝૂલૂસ અંગે અગાઉ મળેલી મીટીગમાં તાજીયા કમીટીના તમામ આગેવાનોની સાથે ઝૂલૂસના નિયમો મુજબ જૂલૂસ નીકળ્યું હતું. આ જુલુસમાં પોલીસ અધિકારી પીઆઇ સરવૈયા, સીટી પીએસઆઇ જાડેજા, સાથે તેના સ્ટાફે સારી જહેમત ઉઠાવી હતી.

ઝૂલૂસ દરગાહ શરીફે પહોંચતા શાહબાવા ટ્રસ્ટ દ્વારા  - પ્રસાદનું આયોજન કરાયેલ. જેમાં તમામ લોકોને મીઠી ન્યાઝ (જરદો) પેક બોકસમાં વિતરણ કરાયુ હતું. ટ્રસ્ટ દ્વારા ૩૦ કિલો ચોખ્ખા ઘીથી તૈયાર થયેલ ન્યાઝ બાંટવામાં આવી હતી.

સરકારની વિવિધ યોજનાઓના લાભ આજે ગામડાઓમાં રહેતા મુસ્લિમ સમાજ સહિતના તમામ લોકો સુધી પહોંચ્યા છે

સુરેન્દ્રનગર : જિલ્લાના ચુડા ખાતે ઈદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે ચુડા સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા આયોજિત પ્રથમ સમૂહલગ્નમાં વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાએ વિશેષ હાજરી આપી, નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા. આ સમૂહ લગ્નમાં મંત્રીશ્રીના હસ્તે સુન્ની મુસ્લિમ સમાજનું નામ રોશન કરનાર ૫ તેજસ્વી તરલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, સુન્ની મુસ્લિમ સહિતના સમાજ તરફથી મળેલ સહકારથી આજે તેમને મંત્રી પદ મળ્યું છે. આ મંત્રીપદ તેમનું નહીં પણ સૌનું છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, અત્યારે સરકારની તમામ સહાયલક્ષી યોજનાઓ સરકારે ગામો ગામ સુધી પહોંચાડી છે. ચુડા વિસ્તારના ખેડૂતોને સિંચાઇ માટેના પાણીની તકલીફ હતી, જેને સરકાર દ્વારા દૂર કરી સિંચાઇ માટે નર્મદાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત લોકોને પીવાનું શુદ્ઘ પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા નલ સે જલ યોજના અંતર્ગત ઘરે ઘરે નળ કનેકશન આપવાનું કાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે, તેમ મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું.

મંત્રીશ્રીએ સમૂહલગ્નમાં લગ્નગાંઠે બંધાયેલ ૭ નવદંપતિઓને સુખી લગ્નજીવન માટે આશીર્વાદ આપ્યા હતા, તેમજ સમૂહલગ્નમાં રૂ. ૫૧,૦૦૦નો ફાળો નોંધાવ્યો હતો. 

ઈદ-એ-મિલાદ તહેવાર નિમિત્ત્।ે આયોજિત આ સમૂહલગ્નમાં ચુડા મામલતદારશ્રી, સરપંચશ્રી, અગ્રણી સર્વશ્રી કનકસિંહ, લખધીરસિંહ, રોહિતભાઈ, માનસંગભાઈ સહિત ૫ જમાતના ધર્મગુરૂશ્રીઓ, આગેવાનશ્રીઓ તેમજ સુન્ની મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(11:25 am IST)