સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

ઉનામાં ૬૦.૮૦ લાખની આંગડીયા લૂંટ પાછળ જાણભેદુની શંકા

અકસ્‍માત થયેલી રેઢી મળેલ કાર લૂંટારૂઓની કે અન્‍ય કોઈની ? : કાર માલિકની પૂછપરછઃ અકસ્‍માત બાદ લૂંટારૂ અન્‍ય વાહનમાં નાસી ગયા ? : પોલીસ દ્વારા તપાસ

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ૨૦ :. આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી રોકડ સોના-ચાંદીના દાગીના અને હીરાના પેકેટો ભરેલ કુલ ૬૦.૮૦ લાખના મુદ્દામાલ સાથેનો થેલો ઝૂંટવીને લૂંટ પાછળ કોઈ જાણભેદુ હોવાની શંકા સાથે પોલીસ તપાસ શરૂ કરી છે. ᅠ
ગઈકાલે ૬૦.૮૦ લાખની આંગડીયાની લૂંટ થયા બાદ પોલીસ શહેરમાં નાકાબંધી કરાવી હતી અને શહેરથી ૧૫ કિ.મી. દૂર એક અકસ્‍માત થયેલી રેઢી કાર જીજે ૨૭ બીઈ - ૭૬૦૧ નંબરની મળી આવેલ. આ કાર લૂંટારૂઓની છે કે અન્‍યની ? તે અંગે પોલીસ કારના માલિકની પૂછપરછ કરી રહેલ છે.
એસ.ટી. બસ સ્‍ટેશન સામે આંગડીયાની પેઢી સોમાભાઈ રામદાસ પટેલ નામની આંગડીયા પેઢીના કર્મચારી બાબુભાઈ ચતુરભાઈ પટેલ (ઉ.વ. ૫૭) રહે. ઉનાવાળા વહેલી સવારે એક થેલામાં રોકડા રૂપિયા, સોનાના દાગીના પાર્સલ તથા હીરાના પેકેટ કુલ રૂા. ૬૦ લાખ ૮૦ હજાર ૨૫૦નો મુદામાલ ભરી ભાવનગર જવા માટે વહેલી સવારે ૫.૩૦ કલાકે બસ સ્‍ટેશને આવી દિવ-ભાવનગર એસ.ટી. રૂટની બસમાં બેસેલ હતો, ત્‍યારે આ બસમાં એક અજાણ્‍યો શખ્‍સ મોઢે રૂમાલ બાંધી પહેલેથી બેઠેલ હતો તે બાબુભાઈ જે સીટ ઉપર બેઠા હતા ત્‍યાં આવી આ રોકડ રકમ, દાગીના, હીરા પડીકા ભરેલ થેલો ઝુંટવાની કોશીષ કરાય ઝપાઝપી થયેલ.
થેલો ઝૂંટવી બસમાંથી ઉતરી ભાગવા લાગેલ અને આંગડીયા પેઢીના કર્મચારી રાડો નાખી તેને પકડવા બસમાંથી ઉતરી પાછળ દોડેલ અને આ શખ્‍સ બસ સ્‍ટેશન બહાર એક સફેદ કલરની મોટર કારનો દરવાજો ખુલ્લો હતો તેમા બેસી ગયેલ અને ડ્રાઈવરની સીટ ઉપર બેઠેલ શખ્‍સે મોટર કાર હંકારી હતી. કર્મચારી મટોર રોકવા પ્રયત્‍ન કરતા તેને કચડી નાખવા મોટર કાર સાથે ઢસડેલ હતો અને રાડારાડી કરતા લોકો ભેગા થઈ ગયા હતા. મોટર કાર લૂંટારૂને લઈ નાસી ગયા હતા.
પોલીસને આ બનાવની જાણ થતા ઉનાના પોલીસ ઈન્‍સ્‍પેકટર વિજયસિંહ ચૌધરી તથા સ્‍ટાફ ઘટના સ્‍થળે પહોંચી ગયા હતા અને કર્મચારીને પોલીસ સ્‍ટેશને લાવી માહિતી મેળવી અમરેલી જીલ્લાના નાગેશ્રી, ખાંભા, રાજુલા પોલીસને જાણ કરી નાકાબંધી કરાવી હતી અને મોટરનો પીછો કરવા પોલીસ સ્‍ટાફ દોડયો હતો.
ગીર સોમનાથ જીલ્લાના એએસપી ઓમપ્રકાશ જાટ, જીલ્લા ક્રાઈમ બ્રાન્‍ચ, એસ.ઓ.જી. પોલીસ તુરંત ઉના દોડી આવેલ હતા અને ઉનાથી ૧૫ કિ.મી. દૂર ભાવનગર રોડ ઉપર એક સફેદ કલરની અલ્‍ટો મોટર કાર નંબર જીજે ૨૭ બીઈ ૭૬૦૧ રેઢી મળી આવી હતી. તેમા કાચના ટુકડા હતા, મોટર કારનો આગળનો ભાગ અકસ્‍માતથી બુકડો બોલી ગયો હતો તેથી પોલીસ એવુ માની રહી છે કે લૂંટારૂઓ અન્‍ય વાહનમાં નાસી ગયા હોય તેવુ અનુમાન છે.
ઉનાના પોલીસ ઈન્‍સ્‍પેકટર વિજયસિંહ ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે અને આ લૂંટમાં કોઈ જાણભેદુ હોવાની શંકા સેવાઈ રહી છે. આ બસમાં આંગડીયા પેઢીનો સંચાલક જવાનો હોય અને દિવ-ભાવનગર એસ.ટી. બસમાં પહેલાથી લૂંટારૂ બેસી ગયો હતો.  હાલ પોલીસે વિવિધ દિશામાં ટીમ બનાવી તપાસ શરૂ કરી છે. આ થેલામાં જે જે પેઢીઓના રોકડા રૂપિયા, સોનાના પાર્સલ તથા હીરાના પડીકાઓ હતા તેને બોલાવી તપાસ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં સફળતા મળી જશે તેવી આશા ઉના પોલીસ સેવી રહી છે.


 

(11:45 am IST)