સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

નવા પ્રધાન મંડળ દ્વારા પ્રજાલક્ષી કામો થાય તે જરૂરી : ભીખાભાઇ બાંભણિયા

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૨૦ : જસદણનાં પૂર્વ ધારાસભ્‍ય ભીખાભાઈ બી બાંભણિયાની યાદીમાં જણાવ્‍યું છે કે નવા પ્રધાનમંડળની રચના થઈ તેને હરખના વધામણાંમાં આશીર્વાદ યાત્રા, રજત તુલા, સન્‍માન સ્‍વાગત જે કાર્યો થયા.તેમજ શુંભેચ્‍છા મુલાકાત જેવા કાર્યક્રમો ચાલુ છે એકાદ મહિનાથી વધારે સમય થયો હોવા છતાં પ્રધાન મંડળ તરફ થી કોઈ નવીન કામગીરી કે પ્રશ્નનો નિકાલ થયો હોય એવું જાણવા મળતું નથી.મુખ્‍યમંત્રીશ્રી તથા અન્‍ય મંત્રીશ્રીઓ એ સરકારી અધિકારીઓને પ્રજાના પ્રશ્નનો તાત્‍કાલિક નિવેડો લાવવા તાકિદ કરેલ છે જે આવકાર્ય તેમજ બિરદાવવા લાયક છે પરંતુ તેની અમલવારી કેટલી અને કંઈ રીતે થઈ છે એ જોવાનું રહેશે. સરકારી અધિકારીઓ કામગીરીમાં ગતિ લાવે એ જરૂરી છે.
મંત્રીશ્રીઓ તરફથી ઘણા કેસોમાં અધિકારીઓને ફરિયાદ નહીં લેવાની તેમજ ખોટા નિર્ણયો લેવાની ફરજ પાડવામાં આવી હોય એવા અનેક દાખલા છે. કોઈ પણ પ્રકારની કામગીરીમાં બિનજરૂરી ખોટી દખલગીરી કે હસ્‍તક્ષેપ કરવાનું પણ બંધ થવું જોઈએ કરોડો રૂપિયાથી કે હોદ્દાની લાલચ આપીને ધારાસભ્‍યોને ખરીદવાની બાબત જગજાહેર છે. કીન્નાખોરીથી ઘણી વખત ટેક્‍સ ચોરીના કે અન્‍ય બાબતે દરોડા પડાવ્‍યા હોય એવું બને છે ખરીદ વેચાણ ના સોદામાં રૂપિયા ક્‍યાંથી આવ્‍યા અને વપરાય હોય એનો હિસાબ રજૂ થઈ શકે છે તેમ ખરો સત્તામાં કે સંગઠનમાં સામેલ વ્‍યક્‍તિઓને ખોટી રીતે મદદ કરવાની મનોવૃત્તિ બંધ થવી જોઈએ અધિકારીઓ ની સાથો સાથ મંત્રીશ્રીઓએ વિશેષ પ્રમાણમાં સુધરવાની તેમજ કાળજી રાખવાની ખાસ જરૂર છે.
કહેવત છે કે ‘વરની માં નાલાયક હોય ત્‍યારે જાનડીઓનો શું વાંક' મંત્રીશ્રીઓ અને અધિકારીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓના ત્રિવેણી સંગમમાં સુધારો નહીં થઈ ત્‍યાં સુધી કોઈ પણ પ્રશ્નનો સમય સર ઉકેલ આવી જશે એવી અપેક્ષા રાખવી અસ્‍થાને છે. ગુજરાતની પ્રજાના હિતમાં નવું મંત્રી મંડળ નિર્ણાયક કામગીરી માં જડપ લાવે અને મોંઘવારી, હડતાલ, આંદોલન અને બેરોજગારી,ખેડૂતોના તેમજ અન્‍ય વહીવટી પ્રશ્નોનો પારદર્શક રીતે ઉકેલ લાવી સામાન્‍ય વર્ગના લોકોની સુખાકારી માટે તથા ઉધોગ - ધંધાની સલામતી માટે તેમજ ભ્રષ્ટાચાર નાબૂદી માટે આવકારદાયક પગલાં લેવા પ્રસંશાપાત્ર કામગીરી કરે એ જરૂરી છે.બાકી વાહ વહ કરવાથી કંઈ વળવાનું નથી તેમ અંતમાં જસદણનાં પૂર્વ ધારાસભ્‍ય ભીખાભાઈ બાંભણિયાની યાદી જણાવે છે.

 

(11:47 am IST)