સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

ઉપલેટાના મોટી પાનેલીમાં કપાસના પાકને ભારે નુકસાન છતાં અતિવૃષ્‍ટિની યાદીમાં સમાવેશ ન કરાતા રોષ

કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ ન્‍યાય અપાવે તેવી લોકોની માંગણી

પ્રથમ તસ્‍વીરમાં ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં કપાસને થયેલ નુકસાન તથા બીજી તસ્‍વીરમાં ઉપલેટા તાલુકાના જે ગામોનો અતિવૃષ્‍ટિમાં સમાવેશ કરાયો છે તે નજરે પડે છે.
ઉપલેટા તા. ૨૦ : રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં ભારે વરસાદના કારણે કપાસના પાકને ભારે નુકસાન થયું છે પરંતુ રાજ્‍ય સરકાર દ્વારા ઉપલેટાના મોટી પાનેલીનો અતિવૃષ્‍ટિગ્રસ્‍ત વિસ્‍તારોની યાદીમાં સમાવેશ ન કરાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે અને કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલ મોટી પાનેલીના ખેડૂતોને ન્‍યાય અપાવે તેવી માંગ ઉઠી છે.
ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં અતિવૃધિટના કારણે કપાસના પાકને થયેલ નુકસાનીનો સર્વે કરી મોટી પાનેલીના ખેડૂતોને સહાયની માંગણી તા. ૨૪-૯-૨૦૨૧ના રોજ  ગુજરાત રાજ્‍યના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ સમક્ષ મોટી પાનેલીના ખેડૂતોએ કરેલ હતી.
જેથી તા. ૧૬-૧૦-૨૧ના રોજ સર્વે ટીમ દ્વારા મોટી પાનેલીમાં કપાસના પાકમાં થયેલ નુકસાનીનો સર્વે પણ કરવામાં આવેલ હતો. તેમ છતાં કપાસના પાકમાં થયેલ નુકસાનીના સહાય પેકેજમાંથી મોટી પાનેલીને બાકાત રાખવામાં આવેલ છે.
મોટી પાનેલીના ખેડૂતો દ્વારા ગુજરાત રાજ્‍યના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલને રજૂઆત છે કે જાહેર થયેલ કપાસના પાકને નુકસાનીના સહાય પેકેજમાં મોટી પાનેલીનો પણ સમાવેશ કરવામાં આવે અને મોટી પાનેલીના ખેડૂતોને પણ કપાસના પાકને થયેલ નુકસાનીની સહાય ચુકવવામાં આવે તેવી માંગ થઇ છે.

 

(12:02 pm IST)