સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

દિવાળીના સમયે ઓરીએન્ટ એબ્રેસીવ ફેકટરી બંધ કરવાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણઃ પોરબંદર જિલ્લા ભાજપ

પોરબંદર, તા. ૨૦ :. દિવાળીના સમયે ઓરીએન્ટ એબ્રેસીવ ફેકટરી બંધ કરવાનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ હોવાનું જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયાએ મુખ્યમંત્રીને રજૂઆતમાં જણાવેલ છે.

રજૂઆતમાં જણાવેલ કે, ઓરીએન્ટ એબ્રેસીવ નામે ફેકટરી આવેલ છે. આ ફેકટરી હાલ મેનેજમેન્ટ દ્વારા બંધ કરવામાં આવેલ છે અને રો-મટીરીયલ (બોકસાઈટ)ની અછતનું કારણ આપીને ફેકટરી બંધ કરવામાં આવેલ છે. હાલ દિવાળીનો સમય નજીક આવી રહ્યો છે અને આવા સમયમાં મેનેજમેન્ટે જે નિર્ણય લીધો છે તે દુર્ભાગ્યપૂર્ણ છે, ઘણા બધા કામદારોની રોજીરોટીનો સવાલ છે, તેમના પરિવારના ભરણપોષણનો પ્રશ્ન આ કામદારો સામે આવીને ઉભો છે. તદ્ઉપરાંત આડકતરી રીતે જોઈએ તો બોકસાઈટની ખાણોમાં કામ કરતા મજુરો, વાહન ચાલકો ઉપરાંત નાના મોટા ધંધાર્થીઓના પરિવારના ભરણ પોષણનો પણ આ સવાલ છે.

ફેકટરી બંધ કરવા માટેનું કારણ ગમે તે હોય તેનો હલ શોધી આ ફેકટરી સત્વરે ચાલુ થાય તેમા આ પરિવારોનું અને પોરબંદર શહેરનું હિત સમાયેલુ છે તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(12:43 pm IST)