સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th October 2021

માણાવદર યાર્ડમાં ૩૩માં વર્ષે પણ જવાહરભાઇ ચાવડાનું પ્રભુત્વ યથાવત

યાર્ડની ચુંટણીમાં જવાહરભાઇ સહિત છ બિનહરીફ થયા બાદ ૧૦ બેઠકો પર તેમની પેનલનો વિજય

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.ર૦ : માણાવદર માર્કેટીંગ યાર્ડમાં ૩૩માં વર્ષે પણ પુર્વ કેબીનેટ મંત્રી અને ધારાસભ્ય શ્રી જવાહરભાઇ ચાવડાનું પ્રભુત્વ યથાવત રહયું છે.

માણાવદર યાર્ડની ૧૬ બેઠકોની ચુંટણી યોજાઇ હતી.જેમાં મતદાન થાય તે પહેલા ચેરમેન જવાહરભાઇ ચાવડા સહિત તેમનાં છ ઉમેદવારો બિનહરીફ થયેલ.

આ ચુંટણીમાં શ્રી ચાવડાની સામે ધારાસભ્યની ચુંટણી લડેલા કોંગ્રેસના અરવિંદ લાડાણીએ પોતાની પેનલને ઉતારી હતી.

પરંતુ મતદાન થયા બાદ ગઇકાલે સવારે મતગણતરી થતા તેમાં ભાજપ સમર્થિત શ્રી જવાહરભાઇ ચાવડાની પેનલના રામભાઇ કેશવાળા, કરશનભાઇ ખોડાભાઇ, પૃથ્વીરાજસિંહ ઝાલા, અમૃતભાઇ ટાંક, કાંતીલાલ દલસાણીયા, ભીમાભાઇ ભેટારીયા, વીરાભાઇ મૈયડ, નંદલાલ મેંદપરા, પ્રવિણભાઇ સવસાણી અને આસબાઇબેન સેતાનો વિજય થયો હતો.

આમ ૧૯૮૮ થી શ્રી ચાવડાનું શરૂ થયેલ પ્રભુત્વ માણાવદર યાર્ડમાં ૩૩માં વર્ષે પણ યથાવત રહેલ છે.

શ્રી જવાહર ચાવડાએ અકિલા સાથેની વાતચીતમાં યાર્ડના તમામ મતદારોનો આભાર વ્યકત કરતા જણાવેલ કે મતદારોનો વિશ્વાસ અને  ફતેહ જ અમારા માટે પ્રાણવાયુ છે ખેડુતોના હિત માટે વધુ મહેનત કરીશ.

(12:44 pm IST)