સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th November 2020

ભુજ જેલમાં પાકિસ્તાની કેદીનું કોરોનાથી મોત : વાંકાનેર SBIમાં ૮ને અસર

ફરી કોરોનાનો ફફડાટ : JICના તમામ કેદી અને સ્ટાફ સહિત ૧૦૦થી વધુના ટેસ્ટ : મોરબી-૨૧, ભાવનગર-૧૨, કચ્છમાં ૩૫ કેસ

રાજકોટ તા. ૨૦ : સૌરાષ્ટ્ર-કચ્છમાં તાજેતરના તહેવારોના લીધે સર્વત્ર ભીડ સર્જાતા સંક્રમણ વધી ગયું હોઇ બે દિ'માં જ કોરોનાના કેસો વધવા લાગ્યા છે. જ્યારે ભુજની જેલમાં પાકિસ્તાની કેદીનું મોત થયું છે તો અન્યોના ટેસ્ટ કરાયા છે. બીજી તરફ વાંકાનેર એસબીઆઇમાં ૮ને અસર થઇ છે અને કચ્છ-૩૫, મોરબી-૨૧ તથા ભાવનગર જિલ્લામાં ૧૨ કેસ નોંધાવા પામ્યા છે.

ભુજ

ભુજના પ્રતિનિધિ વિનોદ ગાલાના અહેવાલ મુજબ કચ્છમાં કોરોનાના વધતાં કેસની સાથે લાંબા સમય બાદ કોરોનાએ ફરી વધુ એક ભોગ લીધો છે. મૃત્યુ પામનાર ભુજના જોઈન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં બંધ પાકિસ્તાની કેદી છે. આશિકઅલી સાદિકઅલી નામનો ૪૫ વર્ષીય કેદીને ચક્કર આવી જતાં તે પડી ગયો હતો. તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમા સારવાર માટે ખસેડાયો હતો. જયાં તેનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, સારવાર દરમ્યાન જ હોસ્પિટલમાં તેનું મોત નિપજયું હતું.

ભુજની જેઆઇસીમાં બંધ પાકિસ્તાની કેદી આશિકઅલી વર્ષ ૨૦૧૪ માં રાપરની બેલા સરહદેથી ઝડપાયો હતો. જોકે, તે માનસિક અસ્થિર હતો. ભુજ બી ડિવિઝન પોલીસે તેના મોતની નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે. દરમ્યાન ભુજ જેઆઇસીના સ્ટાફ અને તમામ કેદી સહીત ૧૦૦થી વધુ જણના કોવિડ ટેસ્ટ કરાયા છે, જે તમામ જણાના ટેસ્ટના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોવાનું પશ્ચિમ કચ્છ એસપી સૌરભસીંગે જણાવ્યું છે.

કચ્છમાં પાંચ દિ'માં કેસો  વધ્યા, એકિટવ કેસ ૧૯૪

કચ્છમાં દિવાળીના પાંચ દિ' દરમ્યાન કોરોનાએ લીધેલા ઉપાડામાં ૮૮ કેસ નોધાયા છે. જે પૈકી સૌથી વધુ ૩૫ કેસ ભુજમાં જ છે. અત્યારે ફરી એકટીવ કેસ પણ વધી રહ્યા છે. આંકડાકીય રીતે જોઈએ તો કચ્છમાં કુલ કેસ વધીને ૩૦૩૧ થયા છે. સાજા થનાર દર્દીઓ ૨૭૨૦ છે. તો, સરકારી ચોપડે ૭૧ મોત અને બિનસતાવાર મોતનો આંક ૧૨૦ નો હોવાનું ચર્ચાય છે.

વાંકાનેર એસબીઆઇ  કોરોના ભયગ્રસ્ત

વાંકાનેર : એસબીઆઇની વાંકાનેર શાખાના ગત શુક્રવારથી કોરોના પોઝિટિવ હોય જેમાં સ્ટાફના આઠ લોકોને કોરોનાની અસર થતા એસબીઆઇ શાખાને હાલ તાળા લાગેલા છે. સાત કર્મચારીઓને તા. ૧૩ના રોજ કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવતા નગરપાલિકા દ્વારા સેનીટાઇઝ કરેલ તેમજ બાકીના કર્મચારીને તા. ૧૮ સુધી હોમ કોરોન્ટાઇન કરવામાં આવેલ છે તેમ વાંકાનેર નગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસરશ્રીએ જણાવેલ છે.

કોરોના કેસો વધ્યા  મોરબી જિલ્લામાં

મોરબી : જીલ્લામાં ફરી કોરોના કેસો વધી રહ્યા છે અને દિવાળી બાદ કોરોના કેસોના આંકમાં વધારો નોંધાયો છે. મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૨૧ કેસો નોંધાયા છે જયારે ૧૦ દર્દીઓ સ્વસ્થ થયા છે.

નવા કેસોંમાં મોરબી તાલુકાના ૧૩ કેસોમાં ૧૦ ગ્રામ્ય અને ૦૩ શહેરી વિસ્તારમાં, વાંકાનેર તાલુકાના ૦૨ કેસોમાં ૦૧-૦૧ શહેરી અને ગ્રામ્ય જયારે હળવદના ૦૬ કેસોમાં ૦૧ ગ્રામ્ય અને ૦૫ કેસો મળીને નવા ૨૧ કેસો નોંધાયા છે તો વધુ ૧૦ દર્દીઓ સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરાયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૨૪૭૩ થયો છે જેમાં ૧૪૬ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૨૧૮૯ દર્દીઓ સ્વસ્થ થયા છે

ભાવનગરમાં કોરોનાનો કુલ આંક ૫૦૦૦ને આંબી ગયો

ભાવનગર : જિલ્લામા વધુ ૧૨ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૦૦૦ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૯ પુરૂષ અને ૨  સ્ત્રી મળી કુલ ૧૧ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમાં ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકાના ૧૧ તેમજ તાલુકાઓના ૪ એમ કુલ ૧૫ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૫,૦૦૦ કેસ પૈકી હાલ ૪૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૮૮૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

(10:18 am IST)