સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th November 2020

કાલે પૂ.જલારામબાપા જન્મજયંતિ નિમિતે કેશોદમાં ૫ હજાર રઘુવંશી પરિવારોને ઘરે બેઠા પ્રસાદ પહોંચાડશે

કોરોના મહામારીના કારણે નિર્ણય : સામુહિક ભોજન સમારંભ રદ

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ,તા. ૨૦: શનિવાર તા. ૨૧ના રોજ આવી રહેલી વીરપુરના વિશ્વ પ્રસિધ્ધ ભકત અને ભુખના ભેરૂ પૂ. જલારામ બાપાની ૨૨૧ મી જન્મજયંતિ નિમિતે યોજનારા સમુહ ભોજનના વરસો જૂના કાર્યક્રમમાં આ વરસે સ્થાનિક લોહાણા મહાજન તરફથી એક નવો જ અભિગમ અપનાવવામાં આવ્યો છે અને એ પણ આશરે ૫ હજાર રઘુવંશીઓને વિના મૂલ્યે જલારામ બાપાનો પ્રસાદ ઘરબેઠા પહોંચાડવાનો.

પૂરા થયેલા વર્ષ દરમિયાન સમગ્ર દેશની જનતાએ ભૂતકાળમાં કયારેય ન અનુભવી હોય તેવી કોરોનાની ભયંકર હાડમારી અનુભવી અને આજે હજુ પણ આ હાડમારી સમગ્ર દેશની જનતા અનુભવી રહી છે. આ સ્થિતી વચ્ચે આ બિમારી વધુ ન ફેલાય અને પૂ. જલારામ બાપાની જન્મજયંતિ નિમિતે યોજાતો લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજન કાર્યાકત પર સરકારશ્રીએ નક્કી કરેલ નિતિ -નિયમોની સંપૂર્ણ અમલવારી સાથે ઉજવાય જાય એ માટે સ્થાનિક કેશોદ લોહાણા મહાજનના નેજા હેઠળ (૧) લોહાણા મહાજન (૨) રઘુવંશી સોશ્યલ ગ્રુપ (૩) રઘુવીર સેનામ (૪) મહિલા મંડળ એક નવો જ અભિગમ અપનાવી માત્ર રઘુવંશી સમાજ નહિ પરંતુ તમામ સમાજને માટે એક નમુનારૂપ અને પ્રેરણારૂપ પગલું ભર્યું છે.

આ પ્રેરણા રૂપ પગલાના ભાગરૂપે સ્થાનિક કેશોદમાં વસતા તમામ ૯૦૦ રઘુવંશી પરિવારોના ઘરે જલારામ જયંતિ શનિવારના રોજ એક બોકસ પહોંચાડાશે અને આ પેકેટમાં ૩૦૦ ગ્રામ બુંદી, ૩૦૦ ગ્રામ ગાઠીયા અને ૩૦૦ ગ્રામ શુધ્ધ ઘીના અડદીયા હશે અને કોઇ પાસેથી આ માટે કોઇ ફંડ લેવાશે નહિ.

સ્થાનિક કેશોદના અલગ અલગ વિસ્તારમાં વસતા રઘુવંશી પરિવારોના ઘર શોધીને ચોક્કસ સમય મર્યાદામાં આ કામ પાર પાડવું મુશ્કેલ છે છતા આ માટે આશરે ૧૫૦ જેટલા ઉત્સાહી યુવાનો માનદ સેવા આપવા તૈયાર થયા છે અને આ કામ સફળતા પૂર્વક પાર પાડવાનું બીઠુ તેઓએ ઝડપયું છેે. સ્થાનિક કેશોદ લોહાણા સમાજ માટે કોઇ પાસેથી આર્થિક દાન મેળવ્યા સિવાય ઘરે ઘરે પૂ. જલારામ બાપાનો પ્રસાદ પહોંચાડવાનું ભગીરથ કાર્ય પાર પાડવાનું આ પ્રથમ સાહસ સફળતા પૂર્વક પાર પાડવા અને અન્ય તમામ સમાજના લોકોને એક નવોજ રાહ બતાવવા માટે નાના-મોટા તમામ લોકો અત્યારથી જ ભારે સક્રિય બની ગયા છે.

(10:19 am IST)