સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th November 2020

જૂનાગઢ એસટી ડિવીઝનને દિવાળી ફળી

૯ ડેપોને અઠવાડીયામાં રૂ. ૩૨ લાખથી વધુ આવક : વિભાગીય નિયામક જી.ઓ શાહ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૦: જૂનાગઢ એસટી ડિવીઝન હેઠળ આવતા ૯ ડેપો દ્વારા દિવાળીના તહેવારોને લઇને રૂ. ૩૨.૧૭ લાખથી વધુની આવક થઇ છે.

એસટીના વિભાગીય નિયામકશ્રી જી.ઓ. શાહએ જણાવ્યું હતુ કે તહેવારોને લઇને એસટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેને લઇ નોંધપાત્ર આવક થવા પામી છે. શ્રી શાહે વધુમાં જણાવેલ કે દિવાળીના તેહવારોને લઇને દર વર્ષે એકસ્ટ્રા બસો દોડાવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ તા. ૧૧ થી ૧૭ નવેમ્બર સુધીમાં જૂનાગઢ સોમનાથ, દ્વારકા, જામનગર, રાજકોટ, અમદાવાદ, ગોધરા, દાહોદ, રાઘનપુર, ઉના, સાવરકુંડલા અને અમરેલી રૂટ ઉપર એકસ્ટ્રા બસ દોડાવવામાં આવી હતી. જેમાં જૂનાગઢ એસ.ટી ડિવીઝન હેઠળ આવતા ૯ ડેપોથી ૨૩૩ બસો દ્વારા ૪૯૪ ટ્રીપો કરવામાં આવેલ તેમાં ૨૦,૪૫૩ મુસાફરોએ મુસાફરી કરતા ૯ ડેપોમાંથી રૂ. ૩૨,૧૭,૨૬૦ની આવક થઇ છે.

શ્રી જી.ઓ.શાહએ અંતમાં જણાવ્યું હતુ કે કોરોનાની મહામારીને લઇને ગત વર્ષ કરતા અકસ્ટ્રા બસોની સંખ્યામાં ઘટાડો કરાયો છે અને સરકારની ગાઇડલાઇનનું પાલન પણ કરવામાં આવ્યું છે.

(11:30 am IST)