સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th November 2020

કાલે પૂ. જલારામબાપા જન્મજયંતિઃ કોરોનાના કારણે સામુહિક કાર્યક્રમો રદ

કોરોના મહામારીમાંથી મુકિત માટે પ્રાર્થના કરાશેઃ સામુહિક મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો નહિં યોજાય

રાજકોટ તા. ર૦: કાલે સંત શિરોમણી પૂ. જલારામબાપાની જન્મ જયંતિ છે. આ વખતે કોરોના મહામારીના કારણે સામુહિક કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

પૂ. જલારામ બાપાની જન્મ જયંતિ નિમિતે કાલે પૂ. જલારામબાપા મંદિરોમાં સેવાકાર્યો કરવામાં આવશે પરંતુ સામુહિક ભોજન, મહાઆરતી, પૂજન-અર્ચન સહિતના કાર્યક્રમો નહિં યોજાય.

''રામનાથ મેં લીન હૈ, દેખત સબમેં રામ, તાકે પદ વંદન કરૃં જય જય જલારામ...'' 'જયાં ટુકડો ત્યાં હરિ ઢુકડો'' આજે ર૦૧ વર્ષથી અવિરત ''સદાવ્રત'' અન્નક્ષેત્ર ''વિરપુર જલારામ'' ખાતે ચાલુ છે.

આવતીકાલે દેશ-વિદેશમાં પણ શ્રી જલારામ મંદિરમાં (રર૧મી) શ્રી જલારામ જયંતિ ઉજવાશે.

પૂ. જલારામબાપા સમક્ષ ભાવિકો આ કોરોના મહામારીમાંથી મુકિત મળે તે માટે પ્રાર્થનાઓ કરવામાં આવશે.

વિરપુર (જલારામ)

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર (જલારામ) વિરપુર ધામમાં શ્રી જલરામ જયંતિના પાવન પર્વે વિરપુરવાસીઓ ઘરે ઘરે તેમજ દુકાનોમાં ''રંગોળી'' કરીને આસોપાલવના તોરણ બાંધે છે. વિરપુરમાં જલારામ જયંતિ પર્વે દિવાળી જેવો માહોલ જામે છે, આવતીકાલે સમગ્ર ભારત જ નહિં પરંતુ દેશ-વિદેશમાં આવેલ પૂ. શ્રી જલારામ બાપાના મંદિરમાં ''શ્રી જલારામ જયંતિ'' ના પાવન પર્વે પૂ. બાપાનું વિશેષ પૂજન, અર્ચનવિધિ, મહા આરતી, અન્નકોટ દર્શન સહિતના કાર્યક્રમો યોજાશે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ બાયપાસ ઝાંઝરડા ચોકડી સ્થિત જલારામ મંદિરે દર વર્ષે ભવ્યાતિભવ્ય રીતે જલારામ જયંતિની ઉજવણી થાય છે પણ ચાલુ વર્ષે તા. ર૧-૧૧-ર૦ શનિવારના રોજ સાંપ્રત સમસ્યાને અનુરૂપ સાદાઇથી ઉજવણી કરવાનું નકકી થયું છે.

સમગ્ર લોહાણા નાત અને જલારામ ભકતો માટેનું સમૂહ ભોજન, વિવિધ ધાર્મિક, સેવાલક્ષી અને સ્પર્ધાના કાર્યક્રમો તેમજ રાત્રિનો સ્ટેઇઝ પ્રોગ્રામ બંધ રહેશે.

મંગલા રાજભોગ અને સંધ્યા આરતી તેમજ અન્નકુટ દર્શન થશે. સવારના ૭ થી રાત્રિના ૧૦ બપોરના ૧ થી ૩ સિવાય વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે.

ભકતજનોને માસ્ક પહેરી, પાસ લઇ, ક્રમબદ્ધ, ડિસ્ટન્સ જાળવી સરકારી ગાઇડ લાઇનનું સંપૂર્ણ પાલન કરી ીશસ્ત જાળવવા વિનંતી કરાય છે.

પ્રો. પી. બી. ઉનડકટ, મેનેજિંગ ટ્રસ્ટી, જ.પ. ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.

(11:40 am IST)