સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st November 2020

ભાયાવદરના અરણી ગામે નિલેશ ખાંભલા ઉપર કૌટુંબીક ભાઇઓનો કુહાડી-લાકડીથી હૂમલો

સહિયારા કુવાના ભાગ પ્રશ્ને મનદુઃખ થતા હૂમલોઃ વચ્ચે પડેલ નિલેશની માતાને પણ માર માર્યોઃ ૪ સામે ફરીયાદ

રાજકોટ તા. ર૧ :.. ભાયાવદરના અરણી ગામે સહિયારા કુવાના ભાગ પ્રશ્ને ચાલતા મનદુઃખમાં રબારી યુવાન ઉપર કૌટુંબીક ભાઇઓ સહિત ૪એ કુહાડી અને લાકડીથી હુમલો કર્યો હતો. વચ્ચે પડેલ માતા ઉપર પણ હૂમલો કરાયો હતો.

મળતી વિગતો મુજબ અરણી ગામે રહેતા નિલેશભાઇ પરબતભાઇ ખાંભલા ઉપર કૌટુંબીક ભાઇ ભાયા રામાભાઇ ખાંભલા, દેસુર ભાયાભાઇ ખાંભલા, રૂડી ભાયાભાઇ ખાંભલા તથા જાહીબેન ભાયાભાઇ રે. તમામ અરણી ગામએ કુહાડી અને લાકડીથી હૂમલો કરતા નિલેશભાઇને માથામાં કુહાડી લાગતા ગંભીર ઇજા થતા હોસ્પીટલમાં ખસેડાયેલ છે. આ ઝઘડામાં વચ્ચે પડેલ નિલેશભાઇના માતા રમાબેન ઉપર લાકડીથી હુમલો થતા તેને ફ્રેકચર થઇ જતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડાયેલ છે.

ઇજાગ્રસ્ત ફરીયાદી નિલેશભાઇ અને આરોપીઓને ખેતીની જમીનમાં સહીયારો કુવો હોય આરોપીઓ ફરીયાદીને કુવામાંથી ભાગ કાઢવાનું કિધુ હતુ પરંતુ ફરીયાદીએ ના પાડતા તેનું મનદુઃખ રાખી આરોપીઓએ હૂમલો કર્યો હતો. ભાયાવદર પોલીસે ઇજાગ્રસ્ત નિલેશની ફરીયાદ ઉપરથી ઉકત ચારેય શખ્સો સામે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ પીએસઆઇ એસ. વી. ગોજીયા ચલાવી રહ્યા છે.

(11:52 am IST)