સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st November 2020

દ્વારકાના કુરંગા નજીક કારની ઠોકરે બે ભેંસના ઘટના સ્થળે જ મોત

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૧: કલ્યાણપુરના સુઇનેશ વાડી વિસ્તારમાં રહેતા કાનાભાઇ રામદેભાઇ ધારાણી (ઉ.વ.પ૦) નામના ગઢવી પ્રૌઢ ગત રોજ પોતાની ભેંસોને ચરાવવા માટે જતાં હતાં ત્યારે કુરંગા નજીક રોડ ક્રોસ કરતી વખતે સામેથી પુરપાટ ઝડપે આવતી જી.જે.૧૦-બીજી ૩૮૮૮ નંબરના કાર ચાલકે ભેંસને ઠોકરે લેતા બન્ને ભેંસો પડી જતાં ત્યાં જ મોત નિપજયું હતું. કાર ચાલક નાશી છુટતા પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

દ્વારકામાં વેપારીનું બાઇક ચોરાયું

દ્વારકાના જલારામ આવાસમાં રહેતા હિતેશભાઇ મોહનભાઇ જાખરીયાએ પોતાની મોટર સાઇકલ જી.જે.૧૦-બીએમ ૮૦૩૬ નંબરની સ્પ્લેન્ડર પ્લસ બાઇક પોતાના ઘર પાસે પાર્ક રહેલ હતું તે કોઇ અજાણ્યો શખ્સ ચોરી જતા પોલીસે હિતેશભાઇની ફરીયાદ પરથી અજાણ્યા બાઇક ચોર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દંપતિ ઉપર મહિલા સહિતનો હુમલો

ઓખાના ગાંધીનગર ભુંગામાં પ્રજાપતિ સમાજની વાડી પાસે રહેતા પ્રકાશભાઇ ભીખુભાઇ પાણખાણીયા (ઉ.વ.૪૦) નામના પ્રજાપતિ કુંભાર યુવાને ઓખા મરીન પોલીસમાં નોંધાવેલી ફરીયાદના આધારે પોલીસે અમન સુલતાન સોઢા, સુલતાન સોઢા, જુબેદાબેન સુલતાન વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

પ્રજાપતિ યુવાને ફરીયાદમાં જણાવ્યું છે કે, ગત રાત્રીના સાડા નવેક વાગ્યે મારો પુત્ર છાસ અને બકાલુ લેવા ગયો હતો ત્યારે આરોપીઓએ મારા પુત્રનું નામ બગાડી મશ્કરી કરતા હોય આથી નામ બગાડવાની ના પાડી પુત્ર ઘરે આવ્યો હતો જે બાદ થોડીવારમાં આરોપીઓ મારા ઘરે આવી જેમ ફાવે તેમ ગાળો કાઢી મને બહાર બોલાવેલ ઢીકાપાટુ અને લાકડીનો માર મારતા મારા પત્ની નીરૂબેન છોડાવવા વચ્ચે આવતા તેઓને પણ ધક્કો મારી મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી ગયા હતાં. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:52 pm IST)