સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st November 2020

વર્ષો જૂની ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે નહીં યોજાય

કોરોના મહામારીએ અનેક પરંપરાઓ તોડાવી : દર વર્ષે દેવ દિવાળીના દિવસથી યોજાતી પરિક્રમા કોરોના મહામારીને લીધે નહીં યોજવાની વહીવટી તંત્રની જાહેરાત

જૂનાગઢ, તા. ૨૧ : ગરવા ગિરનારની પરંપરાગત યોજાતી લીલી પરિક્રમા ઉપર કોરોના મહામારીની અસર જોવા મળી છે અને હવે વર્ષોથી યોજાતી જૂનાગઢની લીલી પરિક્રમા બંધ રહેશે. હવે ગિરનારમાં દર વર્ષે દેવદિવાળીના દિવસથી યોજાતી લીલી પરિક્રમાને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે.

દર વર્ષે કારતક સુદ અગીયારસથી યોજાતી ગિરનારની લીલી પરિક્રમા દર વર્ષે લાખો લોકો ઉમટી પડે છે. વર્ષે પણ ગિરનારની પરિક્રમા અંગે જિલ્લા કલેક્ટરે જાહેરાત કરી છે કે, જૂનાગઢની લીલી પરિક્રમા કોરોના મહામારીના કારણે બંધ રહેશે.

આજે જુનાગઢની લીલી પરિક્રમા બંધ રાખવાની કલેક્ટરે સત્તાવાર જાહેરાત કરી છે. જોકે અહિં પ્રતીકાત્મક પરિક્રમા યોજાશે. માટે જિલ્લા કલેક્ટરે કહ્યું કે, સાધુ સંતો સાથે વિચારણા કરવામાં આવશે. દરમિયાન લોકોને પરિક્રમા કરવા આવવા તંત્રએ અપીલ કરી છે.

અહિં તમને જણાવી દઇએ કે, સૌ પ્રથમવાર પરિક્રમા બંધ રહેતા વર્ષોની પરંપરા તૂટશે, તમને જણાવી દઇએ કે, જૂનાગઢની લીલી પરિક્રમામાં દર વર્ષે દસ લાખ લોકો જોડાતા હોય છે.

ઉલ્લેખનિય છે કે, ગિરનાર પરિક્રમામાં ઉમટી પડતા લાખ્ખો યાત્રિકો માટે ભવનાથ તથા જંગલના ૩૬ કિ.મી.ના માર્ગ ઉપર જુદા જુદા તંત્ર દ્વારા પાણી, આરોગ્ય સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવતી હોય છે. ગિરનાર વિસ્તારના ઈટવા ઘોડીથી જીણાબાવાની મઢી, સરકડીયા ઘોડી, માળવેલા ઘોડીના કપરા ચઢાણો ઉપર પદયાત્રા કરતા યાત્રિકો માટે રોડ રસ્તાની મરમ્મત કરવામાં આવે છે. ઉપરાંત લાઈટ, પાણી, આરોગ્ય, સફાઈ, કાયદો-વ્યવસ્થા, જીવન-જરૂરી ચીજવસ્તુઓ વગેરે બાબતે પણ સંબંધિત તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવે છે. પ્રવાસીઓની સહાયતા માટે કેન્દ્રો શરૂ કરવા અને ભવનાથ સ્થિત મુખ્ય કંટ્રોલરૂમમાં આવશ્યક સેવાના કર્મચારીઓને રાઉન્ડ ક્લોક ફરજ ઉપર તૈનાત કરાતા હોય છે.

(8:45 pm IST)