સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 10th June 2021

પાટડીના જૈનાબાદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા :માલધારી સમાજના વાડામાં આગચાંપી: બે ગાયોના મોત

શાંતિ સમિતિની બેઠક યોજી, અસામાજિકોની અટક કરી અને જામીન પણ છોડ્યા છતાં આગચાંપતાં પોલીસને ખુલ્લો પડકાર : માલધારી સમાજના આગેવાનો દ્વારા કાર્યવાહી કરવા માંગ : સામુહિક હિજરતની ચીમકી

સુરેન્દ્રનગરના પાટડી તાલુકામાં આવેલા જૈનાબાદ ગામે કેટલાક અસામાજિક તત્વો દ્વારા માલધારી સમાજના માલઢોર પર હુમલો અને એમના વાડા સળગાવી દેવાની ઘટના બાદ બે દિવસ અગાઉ માલધારી સમાજના આગેવાનો દ્વારા સામુહિક હિજરતની ચિમકી સાથે રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે બીજી બાજુ પોલીસ દ્વારા શાંતિ સમિતીની બેઠકો કરવા છતાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. જેમાં મંગળવારે રાત્રે જૈનાબાદમાં અસામાજિક તત્વો દ્વારા માલધારી સમાજના વાડામાં આગચંપી કરાઇ હતી. જેમાં બે ગાયોના મોત થવા હતા.

   કેટલાક માથાભારે અસામાજિક તત્વો દ્વારા માલધારી સમાજના લોકોને શારીરિક અને માનસિક ત્રાસ આપી નુકશાન પહોંચાડાવાના બનાવોને લીધે રોસે ભરાયેલા માલધારી સમાજના લોકોએ પાટડી પ્રાંત કલેક્ટર રૂતુરાજસિંહ જાદવને લેખીત રજૂઆત કરી હતી. જેમાં આવા માથાભારે શખ્સો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી અને આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો જૈનાબાદના માલધારી સમાજના લોકોને નાછુટકે સામુહિક હિજરત કરવાની નોબત આવશે એવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.   

 દસાડા પીએસઆઇ જી.એન.શ્યારા સહિતના પોલિસ સ્ટાફ દ્વારા જૈનાબાદમાં શાંતિ સમિતીની બેઠક યોજી ગ્રામજનોને શાંતિ માટે અપીલ કરી કેટલાક અસામાજિક તત્વોની અટક કરી મોડી સાંજે એમને જામીન પર છોડવામાં આવ્યા હતા. છતાં પણ અસામાજિક તત્વો દ્વારા મંગળવારે રાત્રે એક વાગ્યાના અરસામાં ખાખી વર્દીને ખુલ્લો પડકાર ફેંકતા હોય એમ પોલિસ અને સરકારી તંત્રને ખુલ્લી ચેલેન્જ આપી જૈનાબાદમાં અસામાજિક તત્વો દ્વારા માલધારી સમાજના વાડામાં આગચંપી કરાઇ હતી.

  માલધારી સમાજના આગેવાનોએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, ગુજરાતના ગ્રામ્ય પથંકમાં ઉત્તરપ્રદેશ અને બિહારની જેમ ગુંડારાજ ન સ્થપાય એ માટે પોલીસ દ્વારા તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો માલધારી સમાજ દ્વારા ગાંધીનગર સુધી કૂચ કરવામાં આવશે. પાટડી તાલુકાના જૈનાબાદ ગામના રાજાભાઇ હમીરભાઇ રબારીએ દસાડા પોલીસ મથકમાં જૈનાબાદ ગામના કુરેશી સિકંદર બચુભાઇ, કુરેશી ગોલુ દાવલભાઇ, કુરેશી સિકંદર ઇસ્માઇલભાઇ, નાસીર એમદભાઇ પઠાણ, કુરેશી જહાંગીર હુસેનભાઇ સહિત અગાઉ પકડાયેલા યુનુશ એમદભાઇ કુરેશી, અકિબ નશરૂદિન સૈયદ, શકીલ સબીરભાઇ કુરેશી અને અલ્લારખા અકબરશા દિવાન મળી કુલ 10 શકંમદોના નામ સાથે રાત્રીના 12.30 વાગ્યાના સુમારે અંધારામાં માલધારી સમાજના ઢોર બાંધવાના તથા નિરણ ભરવાના કુલ આઠ વાડામાં આગ લગાવી નુકશાન કર્યાની દસાડા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા વધુ તપાસ દસાડા પીએસઆઇ જી.એન.શ્યારા ચલાવી રહ્યાં છે.

(12:24 am IST)