સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st April 2021

જમીનના ખોટા દસ્તાવેજો, આધારકાર્ડ ઉભા કરી હડપ કરવાનો પ્રયાસ

લખતર તાલુકાના વિઠલાપરાની સીમમાં કૌટુંબિક ભાઇઓ, નોટરી સહિતના સામે પોલીસમાં રજુઆત

વઢવાણ,તા. ૨૧: લખતર તાલુકાના વિઠલાપરા ગામે રહેતાં ખેડુત અરજદારની જમીનના ખોટા દસ્તાવેજો અને કાગળો ઉભા કરી ગેરકાયદેસર રીતે જમીન હડપવાની ચાર જેટલા શખ્સોએ કોશીશ કરતાં આ અંગે અરજદારે લખતર પોલીસ મથકે લેખીત રજુઆત કરી હતી અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ અરજદાર અને ફરિયાદી મહેશભાઈ કાળુભાઈ નૈત્રા ખેતમજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે તેઓના દાદા અમરશીભાઈ ડાયાભાઈની વિઠલાપરા ગામની સીમમાં આવેલ ખાતા નં.૧૯૮ સર્વે નં.૫૩૬ વાળી જમીન પિતા કાળુભાઈનું અવાસન થતાં હાલ તેમાં અરજદારનો હિસ્સો પોષાય છે ત્યારે આ હિસ્સો અરજદારને આપવો ન પડે તે માટે પરિવારના કૌટુંમ્બીક ભાઈઓ છનાભાઈ પોપટભાઈ, નાનુભાઈ પોપટભાઈ, હરિભાઈ પોપટભાઈ અને અશોકભાઈ પોપટભાઈ સહિતનાઓએ એકસંપ થઈ જમીન હડપ કરવા દાદા અમરશીભાઈનું અવસાન થઈ ગયું હોવા છતાં તેઓના નામનું ખોટું આધાર કાર્ડ અને ખોટા દસ્તાવેજો ઉભા કરી વારસદાર હોવા છતાં તેઓને વારસદાર તરીકે નહિં બતાવી અવસાન થયેલ દાદા અમરશીભાઈ હૈયાત ન હોવા છતાં તેઓના નામની ખોટી મામલતદારમાં અરજી કરી હતી અને ખોટું સોગંદનામું રજુ કરી નોટરી કરાવી હતી. આથી ખોટા આધાર પુરાવાને દસ્તાવેજો ઉભા કરનાર કૌટુંમ્બીક ચાર ભાઈઓ સહિત અંગુઠો બાંધનાર મુકેશભાઈ તેમજ નોટરી કરનાર, અરજી કરનાર અને ખોટું આધાર કાર્ડ ઉભું કરનાર તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે લખતર પોલીસને લેખીત રજુઆત કરી હતી.

સટ્ટો રમતા ઝડપાયો

વઢવાણનો યુવરાજસિંહ સુરજસિંહ ઠાકુર રહે. સુરેન્દ્રનગર રામનગર નવા જંકશન રોડ વાળો વઢવાણ દેપાળાવાડ એસ.બી.આઇ. એ.ટી.એમ વાળી ગલીમાં એક મકાનમાં ઓટલા ઉપર જાહેરમાં ઓનલાઇન ક્રીકેટ મેચનો સટ્ટાનો જુગાર રમતો રેઇડ કરતા આરોપી રાજપુત ઉવ. ૨૨ રહે. ખારીખાડ પાસે વાળાને રૂ. ૨૧૫૦ તથા મોબાઇલ ફોન નંગ. ૧ કિ. રૂ. ૮૦૦૦ મળી કુલ રૂ. ૧૦,૧૫૦ ના મુદ્દામાલ સાથે પીએસઆઇ ડી.ડી.ચુડાસમા, હેડ કોન્સ. રવિન્દ્રસિંહ જેમુભા ડોડીયા, કોન્સ. વિજયસિંહ માલાભાઇ રથવીએ પકડી પાડેલ છે.

(12:07 pm IST)