સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st June 2022

નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના લીધે પ્રાચીન પરંપરા યોગનું દુનિયામાં સન્માન થઈ રહ્યું છે : દેવુસિંહ ચૌહાણ

તંદુરસ્ત જીવન માટે યોગ જરૂરી છે : કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા : કચ્છમાં વૈશ્વિક ધરોહર ધોળાવીરા ખાતે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રીના અધ્યક્ષસ્થાને યોગ કાર્યક્રમ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૧

 આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કર્ણાટક મૈસુરથી થઈ રહી છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં વૈશ્વિક ધરોહર ધોળાવીરા ખાતે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષસ્થાને યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ વારસાના સ્થળ ધોળાવીરા ખાતે આ કાર્યક્રમનું આયોજન ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અને ટેલી કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. પોસ્ટ વિભાગ દ્વારા આ પ્રસંગે વિશેષ પોસ્ટલ કવર પણ બહાર પાડવામાં આવ્યું હતું. આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ"માનવતા માટે યોગ" રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં ૩૯૦૦થી વધુ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. 

આ તકે કેન્દ્રિય સંચાર રાજ્ય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના લીધે વિશ્વમાં આપણી પ્રાચીન પરંપરા એવી યોગનું સન્માન થઈ રહ્યું છે. યોગ હવે વૈશ્વિક ઓળખ બની છે. કોઈપણ જાતના ભેદભાવ વિના દુનિયાએ આપણી પરંપરા યોગને સ્વીકારી છે. પ્રધાનમંત્રીશ્રીએ માનવજાતના કલ્યાણ માટે દુનિયા સમક્ષ યોગ દિવસની ઉજવણીનો વિચાર રાખ્યો હતો જેને દુનિયાએ સ્વીકારી લીધો છે. આપણી સંસ્કૃતિમાં બધા લોકોનું કલ્યાણ કરવાની ભાવના છે. આપણે પ્રાર્થનાઓ કરીએ છીએ કે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય, બધા લોકો સુખી રહે. 

મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું કે, ધોળાવીરા જેવી ઐતિહાસિક સાઈટ પર આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થઈને હું ધન્યતા અનુભવી રહ્યો છું. ધોળાવીરા જેવી વિરાસત માટે તમામને ગૌરવ હોવું જોઈએ. મંત્રીશ્રીએ યોગ વિશે વિસ્તૃત માહિતી આપીને કહ્યું કે, મન અને શરીરને જોડવાની વાત યોગ કરે છે. યોગના અનેક પ્રકારો છે. તમામ યોગ મન-ચિત્તની શાંતિ માટે છે. આ તકે મંત્રીશ્રીએ તમામને યોગને જીવનનો એક ભાગ બનાવી દરરોજ યોગ કરવા અનુરોધ કર્યો હતો. 

આ પ્રસંગે કચ્છ-મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે. માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતે દુનિયાને યોગના સ્વરૂપમાં અમૂલ્ય ભેટ આપી છે. આપણે તંદુરસ્ત રહીએ, તંદુરસ્ત જીવન જીવીએ એ માટે યોગ જરૂરી છે. ધોળાવીરા ઐતિહાસિક સાઈટ પર યોગ દિવસની ઉજવણી નિમિત્તે તેઓએ મંચ પરથી તમામને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. 

ગુજરાત સર્કલના ચીફ પોસ્ટ માસ્ટર જનરલ શ્રી જીતેન્દ્રભાઈ ગુપ્તાએ સ્વાગત પ્રવચન કરીને જણાવ્યું હતું કે, આધુનિક સમયમાં તણાવમુક્ત જીવન જીવવા માટે યોગ ખૂબ જ જરૂરી છે. વૈશ્વિક ધરોહર ધોળાવીરા મધ્યે આ સુંદર આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમને લઈને તેઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમમાં સૌએ ઉપસ્થિત રહીને યોગાસન કર્યા હતા. 

આ કાર્યક્રમમાં અંજાર ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહિર, માંડવી મુંદ્રા ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા, અગ્રણી સર્વે શ્રી વાઘજીભાઈ છાંગા, અરજણભાઈ રબારી,  ડિપાર્ટમેન્ટ ઓફ ટેલી કોમ્યુનિકેશનના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રીમતિ ગુંજન દવે, બીએસએનએલના ચીફ જનરલ મેનેજર શ્રી સંદિપ સાવરકર, ડીપાર્ટમેન્ટ ઓફ ટેલી કોમ્યુનિકેશનના સીસીએ શ્રી ડૉ. કમલ કપૂર, સૌરાષ્ટ્ર કચ્છ રિઝનના પોસ્ટ માસ્ટર જનરલ શ્રી સૂચિતા જોશી, ટેલી કોમ્યુનિકેશન એડમીન ડીપાર્ટમેન્ટના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી પ્રશાંતભાઈ પાટીલ, બીએસએનએલના પીજીએમ શ્રી હેમંત પાંડે, યોગ શિક્ષક શ્રી પ્રવિણભાઈ સોલંકી સાથે સંબંધિત વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.

(9:55 am IST)