સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st July 2021

ભુજની બજારમાં ખરીદી કરતા વૃધ્ધાના ૬૩ હજારના દાગીના અને રોકડની તફડંચી

જૂના દાગીના ભંગાવી નવા બનાવવા જતી વખતે મસાલા ખરીદવા રોકાયા અને અજાણ્યા સ્ત્રી-પુરૂષ કળા કરી ગયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૧ : ભુજના ૬૦ વર્ષીય વૃધ્ધા પાસેથી દાગીના અને રોકડ સેરવી જવાના કિસ્સાએ ચકચાર સર્જી છે.

હુરબાઈ ફકીરમામદ કુંભાર તેમના ૫ વર્ષના પૌત્ર સાથે ભુજની ભરચક એવી ડાંડા બજારમાં મસાલાની ચક્કી ઉપરથી મસાલા ખરીદી કરવા ઊભા રહ્યા ત્યારે અજાણ્યા  સ્ત્રી પુરુષ તેમણે પહેરેલ લાંબા આભાના ખિસ્સામાંથી રૂ. ૫૦ હજારની ચેન તેમ જ ૧૩ હજારની રોકડ સેરવી પલાયન થઈ ગયા હતા.

આ બનાવ બાદ હાંફળા ફાંફળા બની તેમણે પોતાના પુત્રને બોલાવ્યા બાદ પોલીસ ફરિયાદ કરી હતી. તફડંચીનો આ બનાવ મસાલા ચક્કીમાં લગાડેલ સીસી ટીવી કેમેરામાં કેદ થયો છે. જેમાં અજાણ્યા  સ્ત્રી પુરૂષ વૃદ્ઘા પાસેથી તફડંચી કરતાં દેખાય છે. ભુજ એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(10:53 am IST)