સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st July 2021

ભુજમાં સોના - ચાંદીનો કારીગર અઢી કરોડનું ઉઠમણું કરી ગુમ થઇ જતાં ચકચાર

સોનું ચાંદી ગાળતો મરાઠી યુવાન લાપતા થતા વ્યાપારીઓના જીવ તાળવે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૧ : એક બાજુ કોરોના ગાઈડલાઈન બીજી બાજુ લોકડાઉન અને સોના ચાંદીના ભાવો માં થઈ રહેલ મોટી વધઘટ વચ્ચે જવેલરીના વ્યાપારીઓ અટવાયા છે. ત્યાં જ ભુજમાં એક કારીગર ઉઠમણું કરી લાપત્તા થઈ જતાં સોના ચાંદીના વ્યાપારીઓના જીવ અધ્ધર થઈ ગયા છે.

ભુજના કાલિકા માતા રીંગ રોડ ઉપર સોનુ ચાંદી ગાળવાનું કામ કરતો રાહુલ મરાઠી નામનો ૨૮ વર્ષીય યુવાન છેલ્લા ત્રણેક દિવસથી ગુમ છે. તેનો ફોન પણ બંધ આવ્યા બાદ તેના ભુજમાં જ રહેતા ભાઈ પાસે છે. ગુમ થયેલા રાહુલને અપાયેલ સોના ચાંદીના માલનો પત્તો નથી. તે વચ્ચે વ્યાપારીઓ ફસાઈ ગયા છે.

લગભગ ૧૫ થી ૨૦ વ્યાપારીઓનો બે થી અઢી કરોડનો માલ લઈ આ યુવાન ગુમ છે. જોકે, તે વચ્ચે તેના ભુજમાં જ રહેતા ભાઈએ પોતાના ભાઈ રાહુલની ગુમશુદા થવાની પોલીસમાં જાણવાજોગ ફરિયાદ લખાવી છે.

(10:33 am IST)