સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st July 2021

સાંજે વિજયભાઇ દ્વારકામાં : કાલે ૬ાા કરોડ ગુજરાતીઓની સુખ-સમૃધ્ધિ માટે દ્વારકાધીશજીને પ્રાર્થના કરશે

દ્વારકા,તા. ૨૧: મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી આજે અને કાલે  જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકાની મુલાકાત લેશે.

મુખ્યમંત્રીશ્રી રૂપાણી આવતીકાલે તા. ૨૧ જુલાઇના રોજ સવારે ૧૦.૩૦ કલાકે કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે યોજાનાર ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીશ્રી બપોર બાદ દેવભૂમિ દ્વારકા ખાતે શીવરાજ બીચની સ્થળ મુલાકાત કરી વિકાસ કામોનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપશે.

આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી સાંજે સરકીટ હાઉસ, દ્વારકા ખાતે જિલ્લામાં કોરોના રસીકરણની કામગીરી, શીવરાજપુર બીચના કામો અને બેટ દ્વારકા ખાતે તૈયાર થઈ રહેલા સિગ્નેચર બ્રિજની કામગીરી અંગે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજશે.

મુખ્યમંત્રીશ્રી રૂપાણી તા. ૨૨, જુલાઇ ગુરૂવારના રોજ સવારે જગત મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન- પૂજા અર્ચના કરીને સાડા છ કરોડ ગુજરાતીઓની સુખ, સમૃદ્ઘિ અને પ્રગતિ માટે ભગવાનને પ્રાર્થના કરીને આર્શીવાદ મેળવશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી  આજે સાંજે ૪:૨૦ દ્વારકા સ્થિત હેલીપેડ ખાતે ઉતરાણ કરશે. આ બાદ મુખ્યમંત્રીશ્રી શિવરાજપુર બીચ ખાતે શિવરાજપુર બીચ ખાતેની પ્રવાસન સુવિધા અને સિગ્નેચર બ્રીજની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરશે. આ ઉપરાંત સાંજે ૧૭:૪૫વાગ્યે દ્વારકા સ્થિત સર્કિટ હાઉસ ખાતે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે શિવરાજપુર બીચની પ્રવાસનની સુવિધા અને સિગ્નેચર બ્રીજની કામગીરી તથા કોરોના વાયરસ કોવિડ - ૧૯ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રસીકરણની કામગીરી અન્વયે વિશેષ ચર્ચા કરશે.

આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીશ્રી દ્વારકા સર્કિટ હાઉસ ખાતે રાત્રિરોકાણ કરશે તેમજ તારીખ ૨૨ જૂલાઈ -૨૦૨૧ના રોજ દ્વારકાધિશ મંદીરના દર્શન કરી જામનગર જવા માટે રવાના થશે તેમ વધુમાં જણાવાયું છે.

(11:49 am IST)