સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st July 2021

ગોંડલ સંપ્રદાય વિવાદઃ અહમ્ કે અન્ય કારણ ?

છેલ્લા ૪ દિવસથી ચાલતા પ્રકરણ મામલે સંઘોમાં ચર્ચાનો ચકડોળઃ આવનારી મોટા સંઘની ચૂંટણી ઉપર અસર પડશે ? : સાધુના નિયમોનો ભંગ કરવા બદલ જૈન સમાજમાં ભારે રોષઃ શ્રાવકોનું મૌન અકળાવનારૂ

રાજકોટઃ. સ્થાનકવાસી જૈન સમાજમાં સંરક્ષક સમિતિને વીખેરી નાખ્યાથી ઉભો થયેલ વિવાદ વધુ ઉંડો બનતો જાય છે. દિવસે - દિવસે નવા ખુલાસા થઈ રહ્યા છે. રાજકોટ ખાતે ટૂંક સમયમાં એક અગ્રણી પ્રેસ કોન્ફરન્સ માટે આવી રહ્યાનું પણ જાણવા મળી રહ્યું છે.

જ્યારે કોઈ વ્યકિત જૈન સમાજમાં દીક્ષીત બને છે ત્યારે તેમનુ એક જ લક્ષ્ય આત્મકલ્યાણનું હોય છે, પણ સાધુ-સાધ્વીજીના આચરણમાં શીથીલતા આવતા તેની ઉંડી અસર શ્રાવકો અને સમાજ ઉપર પડે છે, ત્યારે પૂ. ડુંગરસિંહજી સ્વામીની ૨૦૦મી જયંતિની ઉજવણી વચ્ચે જ ત્રણ પરિવારો (પ્રાણ-જસ-ઉત્તમ)માં ફાડીયા કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

વિવાદના મૂળમાં એક મુનિશ્રીનું બંગાળમાં ચાતુર્માસ બાદ તાબડતોબ હવાઈ માર્ગે રાજકોટ આવવાનું છે. તેમના આવ્યા બાદ રાજકોટના સ્થાનકોમાં ભારે ગરમા-ગરમી અને ઉગ્રતા વ્યાપવા લાગી છે. એક આગેવાનનું અન્યની હાજરીમાં હડાહડ અપમાન થયાની વાત પણ છે.

સ્થાનકવાસી જૈન મોટા સંઘની ચૂંટણી પણ આવતા મહિને યોજાવાની છે અને આ ધાર્મિક જગ્યાએ અગાઉ ચૂંટણીમાં પણ ભારે માથાકુટ થયેલી છે ત્યારે ફરીથી એકહથ્થુ સત્તા અને શાસન માટે પણ કાવાદાવા કરવા અને ચોગઠા ગોઠવવા મુનિશ્રીએ પોતાનું અન્ય જગ્યાનું ચાતુર્માસ ફેરવી રાજકોટ લીધાનું પણ જાણવા મળ્યુ છે.આ સમગ્ર વિવાદથી જૈન સમાજ ઉપરાંત અન્ય સમાજો પણ અવાક છે. મુનિશ્રી દ્વારા સંપ્રદાયના નામે વેપારીકરણ કરવાની ફરીયાદો પણ અનેક વખત ઉઠી છે. તેમના હેઠળ આવતા અમીન માર્ગ પાસેના એક ઉપાશ્રયનું ટૂંક સમયમાં નૂતનીકરણ પણ કરવામાં આવનાર છે. જેથી કેટલાય જીવોની હિંસા પણ થશે. હકીકતે આ સંકુલને હાલ કોઈ નવું બનાવવાની પણ જરૂરીયાત ન હોવાનું જાણવા મળ્યુ છે.

પૂ.શ્રીનો એક વિડીયો પણ બંગાળ ચાતુર્માસ દરમિયાનનો વાયરલ થયો છે. જેમા તેઓ જણાવે છે કે સાધુ સમિતિ-ગોંડલ સંપ્રદાયની સંરક્ષણ સમિતિને ચલાવે છે. જેથી જ શ્રાવક સમિતિ દ્વારા સાધુ અને શ્રાવક સમિતિને વિખેરી નાખવા માટે ગુરૂ ભગવંતોને વિનંતી કરવામાં આવેલ.

શ્રાવકોનું મૌન ખૂબ જ અકળાવનારૂ છે. સત્ય માટે આવનાર પેઢી માટે અને ધર્મની રક્ષા કાજે જૈન સમાજે એક  અવાજે બહાર આવવું જ પડશે. હાલ સંપ્રદાયનો વહીવટ ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘને સોંપાયો છે. સમગ્ર મામલે અહમ્નો ટકરાવ કે અન્ય કારણ અંગે જૈન સંઘોમાં ચર્ચાઓ ચાલી રહી છે.

રાજકોટઃ. ગોંડલ સંપ્રદાય સંરક્ષણ સમિતિ ભંગ થયા બાદ સમસ્ત ભારતના સ્થા. સંઘો દ્વારા સમાધાનના પ્રયાસો હાથ ધરાયા હતા, પણ અહમ્ના ટકરાવના કારણે આ ફોર્મ્યુલા ભાંગી પડયાના સમાચાર છે. ફોર્મ્યુલા મુજબ પ્રાણ પરિવારના ૫, ઉત્તમ પરિવારમાંથી ૧, જસ પરિવારમાંથી ૧ તથા ગોંડલ સંપ્રદાયમાંથી ૨ લોકોને સ્થાન આપવાની વાત થયેલ, પણ ૩માંથી ૧ પરિવારે આ ફોર્મ્યુલાનો વિરોધ કરતા દેશભરના સ્થાનકવાસી અગ્રણીઓની આ વાત પુરી થઈ શકી ન હતી. અહમ્નો ટકરાવ કે અન્ય કારણ મુદ્દેની ચર્ચાઓ વધુ વેગવંતી બની હતી.

(3:17 pm IST)