પિતાએ મોબાઇલ લેવાની ના પાડતા મોરબીના રામજી કુકવાએ જન્મદિને જ મોત મીઠું કર્યું
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ર૧: મોરબીમાં રફાળેશ્વરથી નજર બાગ વચ્ચે રેલ્વે કી.મી. રર.૯ પાસે ટ્રેનની નીચે આવી જતા એક યુવકનું મોત નીપજયું છે. મૃતક યુવકને પિતાએ મોબાઇલ લેવાની ના પાડતા જન્મદિને જ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રફાળેશ્વરથી નજર બાગ વચ્ચે આવેલ રેલ્વે કી.મી. રર.૯ પાસે રેલ્વે ટ્રેક ઉપર ટ્રેનની નીચે આવી જતા એક યુવકનું કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી જઇને મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતક યુવકનું નામ રામજીભાઇ હીરાભાઇ કુકવા હોવાનું અને તે માળીયા વનાળીયા સોસાયટીનો રહેવાસી હોવાનું ખુલ્યું હતું. મોરબી તાલુકા પોલીસના તપાસનીશ મણીલાલ ગામેતીએ જણાવ્યું હતું કે, મૃતક યુવાનનો ગત તા. ર૦ના રોજ જન્મદિવસ હતો અને તેને પિતા પાસે મોટો મોબાઇલ લેવા માટે જીદ કરી હતી પણ પિતાએ મોટો મોબાઇલ લેવાની ના પાડતા મૃતક રામજીભાઇને લાગી આવતા ટ્રેન નીચે પડયું મુકીને મોતને વ્હાલુ કરી લીધું હોવાનું જણાવ્યું હતું.