સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 21st October 2021

કચ્છમાં ક્રાંતિતિર્થમાં સ્વાતંત્ર્ય સેનાની પંડિત શ્યામજી કૃષ્ણ વર્માને શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ

બેરિસ્ટર સરદારસિંહ રાણા અને મેડમ કામા સાથે મળી શ્યામજીએ આઝાદી માટે લડત ચલાવી હતી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૧ : કેન્દ્રીય જહાજ, બંદર, જળમાર્ગ અને આયુષ મંત્રી સર્વાનંદ સોનવાલે તેમના કચ્છ (ગુજરાત)ના પ્રવાસના ત્રીજા અને અંતિમ દિવસે ગઇકાલે સાંસદ વિનોદ ચાવડા સાથે માંડવી મધ્યે ક્રાંતિતિર્થની મુલાકાત લઈ ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણવર્માને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. કચ્છના સપૂત શ્યામજીએ મેડમ કામા, બેરિસ્ટર સરદારસિંહ રાણા સાથે રહીને અંગ્રેજો સામે દેશની આઝાદી માટે લડત ચલાવી હતી.

માંડવીના દરિયા કિનારે બનાવેલ ઇન્ડિયા હાઉસની પ્રતિકૃતિ સમાન મેમોરિયલ સ્થળે ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ કળશને જીનીવાથી લાવ્યા બાદ તેમના જન્મ સ્થળ માંડવીમાં રખાયા છે. ૨૦૦૩માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દરમ્યાન જીનીવા મધ્યે સચવાયેલા શ્યામજીના અસ્થિ કળશને શ્યામજી કૃષ્ણ વર્માની અંતિમ ઈચ્છા મુજબ દેશ આઝાદ થયા બાદ માદરે વતનમાં લઈ અવાયા હતા અને અહીં તેમના જન્મ સ્થળ માંડવી મધ્યે ઇન્ડિયા હાઉસ મેમોરિયલ બનાવીને રખાયા છે.

મૂળ કચ્છ માંડવીમાં જન્મેલા ભાનુશાલી પરિવારના શ્યામજી અને તેમના પત્ની ભાનુમતી ની સ્મૃતિને સાંકળતા પ્રસંગો, આઝાદીની લડત માટે તેમણે કરેલા પ્રયાસો સહિતના સંસ્મરણો અહીં મેમોરિયલમાં દર્શાવાયા છે.

મેમોરિયલની મુલાકાત પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, માંડવી નગરપાલિકા પ્રમુખ હેતલબેન સોનેજી, મસ્કાના સરપંચ કીર્તિ ગોર, અગ્રણીઓ અનિરૂદ્ઘ દવે, કેશવજી રોશિયાની ઉપસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલનું સન્માન કરાયું હતું.

(10:38 am IST)