સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st November 2020

વિરપુરમાં પૂ. જલારામબાપા જન્મજયંતિની સાદાઇથી ઉજવણી : ભાવિકોને ઉકાળાનું વિતરણ : સોમવારથી દર્શન અને પ્રસાદ બંધ

કોરોના મહામારીના કારણે ભાવિકોને ઘરે જ રહીને ઉજવણી કરવા ગાદિપતિ પૂ. રઘુરામબાપાની અપીલ

વિરપુર - જેતપુર : પૂ. જલારામબાપાની જન્મજયંતિ નિમિતે ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો. (તસ્વીર - અહેવાલ : કિશન મોરબીયા - વિરપુર, કેતન ઓઝા - જેતપુર)(૨૧.૧૨)

(કિશન મોરબીયા - કેતન ઓઝા દ્વારા) વિરપુર - જેતપુર તા. ૨૧ : કોરોના વાયરસે દરેક તહેવારની ઉજવણીમાં ધરમૂળથી ફેરફાર કરાવી નાખ્યાં છે જેમાં શનિવારના રોજ પૂજય જલારામબાપાની ૨૨૧મી જન્મ જયંતિની નિમિતે વીરપુરમાં બાપાની જયંતિ સાદાઈથી ઉજવણી થઇ રહી છે અને બની શકે તો વીરપુર આવ્યા વગર પોપોતાના ઘરે જ ઉજવણી કરવા ગાદીપતિ પૂ. રઘુરામબાપા દ્વારા ભાવિકોને અપીલ કરવામાં આવી છે.

એક વર્ષ પૂર્વે બાપાની પૂજય જલારામ બાપાની ૨૨૦મી જન્મ જયંતી અને સદાવ્રતને ૨૦૦ વ્રત નિમિતે પૂજય મોરારીબાપુની કથાનું આયોજન કરી બાપાની જન્મ જયંતી ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી હતી. ચાલુ વર્ષે ૨૨૧મી જન્મ જયંતી કોરોના વાયરસના સમયમાં આવી છે. અને દિવાળીના તહેવારો બાદ સંક્રમણ પણ ખૂબ વધ્યું હોવાથી બાપાની જન્મ જયંતી સાદાઈથી ઉજવવાનો નિર્ણય ગાદીપતિ દ્વારા લેવામાં આવ્યો છે. દર વર્ષે ગામના જ સેવાભાવી યુવાનો દ્વારા બાપાની જેટલામી જયંતી હોય તેટલા કિલોની કેક બનાવવામાં આવતી અને તે પ્રસાદીરૂપે ભાવિકોને આપવામાં આવતી અને શોભાયાત્રા નીકળતી તેને બદલે દરેક ભાવિકોને ગરમ ઉકાળો આપવામાં આવશે અને શોભાયાત્રા રદ રાખવામાં આવી છે.

જયારે બાપાના પરિવારજનો દ્વારા વહેલી સવારે બાપાની સમાધિ સ્થળે પૂજા કર્યા બાદ મંદિર દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે જે રાત્રીના સાડા નવ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. અને પ્રસાદ સવારના દસથી રાત્રીના દસ વાગ્યા સુધી આપવામાં આવશે.

ગાદીપતિ પૂજય રઘુરામ બાપા અને બાપાના પરીવારજન એવા ભરતભાઇ ચાંદરાણી દ્વારા ભાવિકોને અપીલ કરવામાં આવી છે કે બની શકે તો વીરપુર આવ્યા વગર પોતપોતાની ઘરે જ બાપાની જન્મ જયંતીની ઉજવણી કરી લેવી. અને સોમવારથી મંદિર અને અન્નક્ષેત્ર બંને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પુ.બાપાની જન્મજયંતિ હોઇ જલીયાણધામમાં વેપારી મિત્ર મંડળ દ્વારા રોડ રસ્તાઓ તેમજ મેઈન બજારોમાં ધજા, પતાકા તેમજ રોશનીથી શણગારી દિવાળી કરતા પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે.

વેપારીઓ દ્વારા દુકાનો, હોટેલો તેમજ વીરપુરવાસીઓ દ્વારા ઘેર- ઘેર આસોપાલવના તોરણ, કેળના પાન, રંગબેરંગી ધજાપતાકા, આંગણે રંગોળી, દિવડાઓ તેમજ લાઈટ ડેકોરેશનથી સુશોભીત કરવામાં આવેલ છે.

જયાં ટુકડો ત્યાં હરી ઢુકડોને જીવનમંત્ર બનાવનાર પૂજય જલારામ બાપાની આજે ૨૨૧મી જન્મ જયંતી છે. વહેલી સવારથી જ પૂજય જલારામ બાપાના ભકતજનો વિરપુર પૂજય બાપાની જન્મ જયંતી ઉજવવા દર વર્ષેની જેમ બાપાની જન્મ જયંતી નિમિત્ત્।ે બાપામાં અતૂટ શ્રદ્ઘા ધરાવતા ભાવિકો દેશ વિદેશથી વાહનો, સાયકલ મારફત તેમજ પગપાળા વીરપુર આવી પહોંચ્યા છે. જેમાં વહેલી સવારે પૂજય બાપાના મંદિરે દર્શન કરવા દર્શનાર્થીઓની લાંબી કતારો લાગી હતી,પૂજય બાપાના પરિવારજનો દ્વારા પૂજય બાપાની સમાધીએ પુજા અર્ચના કરી પૂજય જલારામ બાપાનું મંદિર દર્શન માટે ખુલ્લું મુકાયું હતું ,બાપાના દર્શન કરવા માટે દર્શનાર્થીઓને મોઢે માસ્ક તેમજ સેનેટાઇઝની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ જલારામ ભકતો દ્વારા વહેલી સવારથી જ ભજન,ધૂન કરતા કરતા બાપાના દર્શન કર્યા હતા,આ વર્ષે કોરોનાની મહામારીને લઈને મંદિરના ગાદીપતિ પૂજય રઘુરામબાપાએ લોકોને પોતપોતાના ઘેર જ રહીને પૂજય જલારામબાપાની જન્મ જયંતી ઉજવવા અનુરોધ કર્યો છે સૌ ભકતોએ મંદિરે પહોંચી પૂજય જલારામબાપાના દર્શન કરી નવું વર્ષ કોરોના મુકત બને અને સમગ્ર વિશ્વનું આરોગ્ય સારું રહે તેવી પ્રાર્થના કરી હતી.

વિરપુરના સેવાભાવિ યુવાનો દ્વારા દરવર્ષે પૂજય જલારામ બાપાની એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવતી પરંતુ આ વર્ષે કોરોનાને લઈને એ સેવાભાવી યુવાનો દ્વારા શોભાયાત્રા રદ કરીને એક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે,સેવાભાવી યુવાન સંજયભાઈ ઠુંગા તેમજ રવિભાઈ ગોટેચાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ વર્ષે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે શોભાયાત્રા રદ કરવામાં આવી છે અને કોરોના સામે રક્ષણ આપે તેવો આયુર્વેદિક ઉકાળો વિરપુર આવતા શ્રધ્ધાળુઓને વિતરણ કરવામાં આવ્યો છે જેમાં આયુર્વેદિક

ઔષધીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે કોરોના સામે માણસની ઇમ્યુનિટી વધારી રક્ષણ આપે છે આવી રીતે સાદાય પુર્વક પૂજય જલારામ બાપાની ૨૨૧મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે. (૨૧.૧૨)

પૂજય શ્રી જલારામ બાપાનું તેમના ભકતોને વચન

મારા માર્ગ પર પગ રાખીને તો જો, તારા સર્વ માર્ગ ખોલી ન દઉં તો કહેજે,

મારા માટે, ખર્ચ કરીને તો જો, કુબેરના ભંડાર ન ખોલી દઉં તો કહેજે,

મારા તરફ આવીને તો જો, તારૃં ધ્યાન ન રાખું તો કહેજે,

મારી વાતો લોકોને કરીને તો જો, તને મુલ્યવાન બનાવી ન દઉં કહેજે,

મારા ચરિત્રનું મનન કરીને તો જો, જ્ઞાનના મોતી તારામાં ભરી ન દઉં કહેજે,

મને તારો મદદગાર બનાવીને તો જો, તને બધાની ગુલામીમાંથી મુકત ન કરાવી દઉં તો કહેેજે,

મારા માટે આંસુ પાડીને તો જો, તારા જીવનમાં આનંદના સાગર ના વહાવું તો કહેજે,

મારા માટે કંઇક બનીને તો જો, તને કિંમતી ન બનાવી દઉં તો કહેજે,

સ્વયંને ન્યૌછાવર કરીને તો જો, તને મશહુર ન કરી દઉં તો કહેજે,

મારૃં કીર્તન કરીને તો જો, જગતનું વિસ્મરણ ન કરાવી દઉં તો કહેજે,

તું મારો બનીને તો જો, હર એક ને તારા બનાવી ન દઉં તો કહેજે,

સંકલનઃ અશોક હિન્ડોચા માનદમંત્રી

શ્રી લોહાણા યુવક પ્રગતિ મંડળ-રાજકોટ મો.૯૪ર૬ર ૦૧૯૯૯

(11:56 am IST)