સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd January 2021

ગડુમાં દારૂ પીવાના ડખ્ખામાં ચોરવાડના વીસણવેલના અતુલ ચોૈહાણને જીવતો સળગાવી દેવાયોઃ મોત

૧૯મીનો બનાવઃ યુવાને રાજકોટમાં દમ તોડ્યોઃ અતુલ દેવીપૂજક, તેના પુત્રો-પત્નિએ મારકુટ કરી સળગાવ્યાનો આક્ષેપઃ ચોરવાડ પોલીસે આક્ષેપો અંગે તપાસ શરૂ કરીઃ મૃતક રિક્ષા ડ્રાઇવીંગ કરતો'તોઃ બે પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્યું

૨૮ વર્ષના યુવાન અતુલ ચોૈહાણનો ફાઇલ ફોટો અને તેનો નિષ્પ્રાણ દેહ

રાજકોટ તા. ૨૨: ચોરવાડના વિસણવેલ ગામે રહેતાં રિક્ષાચાલક કોળી યુવાન અતુલ ડાયાભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૮)ને ૧૯મીએ સવારે સાતેક વાગ્યે માળીયા હાટીના તાબેના ગડુ ગામે હતો ત્યારે દેવીપૂજક શખ્સ રાજીયો, તેના પુત્રો અને પત્નિએ ઝઘડો કરી માર મારી જીવતો સળગાવી દેતાં ગંભીર રીતે દાઝી જતાં ચોરવાડ, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ રાતે તેણે દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. મૃતક યુવાનને નશો કરવાની આદત હોઇ દારૂ પીવા જતાં ઝઘડો થતાં આ ઘટના બન્યાની શકયતા છે. તેને સળગાવાયાના આક્ષેપો મામલે ચોરવાડ પોલીસે તપાસ શરૂ કરી છે.

મૃત્યુ પામનાર અતુલ બે ભાઇમાં નાનો હતો. મોટા ભાઇનું નામ નરેશભાઇ છે. અતુલ રિક્ષા હંકારી ગુજરાન ચલાવતો હતો. તેને સંતાનમાં એક પુત્ર હિરેન (ઉ.૬) અને એક પુત્રી જીજ્ઞાશા (ઉ.૩) છે. માતાનું નામ જીવતીબેન અને પિતાનું નામ ડાયાભાઇ ચોૈહાણ છે. તે પણ રિક્ષા હંકારવા સાથે ખેત મજૂરી કરે છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં અતુલને ૧૯મીએ સવારે ગડુ ગામે ઝૂપડપટ્ટી પાસે રાજીયો દેવીપૂજક, તેના પુત્ર અને પત્નિએ સળગાવી દીધાની પ્રાથમિક નોંધ થઇ હતી.  એ મુજબની એન્ટ્રી ચોરવાડ પોલીસને નોંધાવાઇ હતી.  જો કે આ બનાવમાં પોલીસે હજુ કોઇ ગુનો નોંધ્યો નથી. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ આગળ કાર્યવાહી થશે. મૃત્યુ પામનારના સ્વજનોએ આક્ષેપ કર્યો હતો કે અતુલને નશો કરવાની આદત હતી અને તે ગડુની ઝૂપડપટ્ટીમાં દેશી દારૂ પીવા જતો હતો. એ કારણે રાજીયા સહિતનાએ તેની સાથે માથાકુટ કર્યા બાદ સળગાવ્યો હતો. અમે તેને એક હોસ્પિટલમાંથી બીજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જતાં હતાં ત્યારે તેણે પોતાને રાજીયા સહિતે સળગાવ્યાની વાત કરી હતી. શું કામ સળગાવ્યો એ અમે પુછ્યું ત્યાં તે બેભાન થઇ ગયો હતો અને રાજકોટમાં બેભાન હાલતમાં જ મોત થયું હતું.

ચોરવાડ પોલીસ આ મામલે વિશેષ તપાસ કરી રહી છે. એન્ટ્રીમાં શકમંદ તરીકે જેના નામ છે તેને સકંજામાં લેવા પણ તજવીજ થઇ છે.

જુનાગઢના પ્રતિનિધિ વિનુ જોષીના અહેવાલ મુજબ જે તે દિવસે અતુલને દાઝેલી હાલતમાં ચોરવાડ હોસ્પિટલમાં દાખલ કરાયો ત્યારે માળીયા હાટીના પોલીસે પ્રાથમિક નિવેદન લીધું હતું તેમાં ઠેંસ લાગતાં તાપણામાં પડી જતાં દાઝી ગયાની નોંધ હતી. એ પછી અતુલને જુનાગઢ અને છેલ્લે રાજકોટ સારવાર માટે ખસેડાયો હતો. એ પછી તેના પરિવારજનોએ તેની પુછતાછ કરતાં સળગાવી દેવાયાની વાત સામે આવી હતી અને આક્ષેપો થયા હતાં. પોલીસ પોસ્ટ મોર્ટમ બાદ આગળની કાર્યવાહી કરશે.

(11:02 am IST)