સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd January 2021

ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ તથા ભાયાવદર પાલિકા પ્રમુખ જીવાણી એક માસમાં ત્રીજી વખત નજરકેદ

સરકાર પોલીસ તંત્રનો દુરૂપયોગ કરે છેઃ ચોટાઈ

ઉપલેટા, તા. ૨૨ :. આજે તા. ૨૨ના ક્રિષ્ના હોટલ ૧૫૦ ફુટ બીજા રીંગ રોડ ઉપર ખેડૂતોનું સંમેલન હોય આ ખેડૂત સંમેલનમાં માણસોને અટકાવવા પોલીસ તંત્રનો દુરૂપયોગ કરી આગેવાનોને નજરકેદ કરી ખેડૂતોને સંમેલનમાં જતા અટકાવવામાં આવે છે.

ઉપલેટા તાલુકામાંથી ખેડૂતો રાજકોટ ન પહોંચે તે માટે ઉપલેટા તાલુકાના આગેવાનો ઉપર ગઈકાલે રાત્રીથી જ પોલીસ બંદોબસ્ત મુકી તેઓને નજરકેદ કરવામાં આવેલ છે.

ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ અને ખેડૂત આગેવાન અને ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ નયનભાઈ જીવાણી ઉપર ગઈકાલ રાત્રીથી જ પોલીસ બંદોબસ્ત બેસાડી તેઓ રાજકોટ સંમેલનમાં જઈ ના શકે તે માણસો મોકલી ન શકે તેવા પ્રયાસો પોલીસ દ્વારા કરાઈ રહ્યા છે. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ કૃષ્ણકાંત ચોટાઈ એ એક જાહેર નિવેદન દ્વારા જણાવેલ હતુ કે સરકાર પોલીસ તંત્રનો દુરૂપયોગ કરી રહી છે. પોલીસના માધ્યમથી માનવ અધિકારો ઉપર આ ભાજપ સરકાર તરાપ મારી રહી છે. પોતાને એક મહિનામાં ત્રીજી વખત નજરકેદ કર્યાનું જણાવેલ હતું.

(11:30 am IST)