સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd January 2021

ટેસ્લા કાર કચ્છમાં બનશે ? : ગુજરાતમાં ઉત્પાદન માટે કંડલા - મુંદ્રા બંદરો હોટ ફેવરીટ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૨ : અમેરિકન ઇલેકિટ્રક કાર ટેસ્લાનું ઉત્પાદન કયાં થશે? એ મુદ્દે થઈ રહેલ ચર્ચા વચ્ચે ભારતમાં ટેસ્લા ઇન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી લિમિટેડ દ્વારા કાર ઉત્પાદન માટે બંદરની સુવિધા હોય એવા ચાર રાજયોમાં નજર દોડાવી છે. જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે સૌથી વધુ શકયતા ગુજરાતની છે. જેમાં ટેસ્લા કંપની દ્વારા કંડલા અને મુન્દ્રા મહાબંદર ઉપર એકમ સ્થાપવાની શકયતા ચકાસાઈ રહી છે. ટેસ્લા કંપની હમણાં પ્રારંભિક તબક્કે અમેરિકાથી પાર્ટ ભારત મંગાવી અહી તેને જોડીને કારનું ઉત્પાદન શરૂ કરે તેવું આયોજન છે. દરમ્યાન કંડલા પોર્ટ મધ્યે ૮૦૦ એકરમાં આકાર લઈ રહેલા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ સીટી ટેસ્લા ના ઉત્પાદન માટે લાલ જાજમ બિછાવી તેને આવકારવા તૈયાર છે.

જોકે, આ અંગે કોઈ સતાવાર જાહેરાત કે સમર્થન નથી કરાયું પણ ટેસ્લા કંપની દ્વારા કંડલા, મુન્દ્રા મહાબંદર ની શકયતા ચકાસાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

(11:48 am IST)