સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 22nd January 2021

લઘુ અખબારોને વારંવાર પડતી મુશ્કેલીઓ દુર કરવા અમરેલી જીલ્લા તંત્રી સંઘની રજૂઆત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. રર :.. અમરેલી જીલ્લા તંત્રી સંઘના પ્રમુખ હિંમતલાલ સરખેદી, ઉપપ્રમુખ વિજયભાઇ ચૌહાણ, કન્વીનર ભરતભાઇ ચૌહાણ, ખજાનચી, રાજેશભાઇ કામદાર, મંત્રી ધર્મેશભાઇ ત્રિવેદી, સલાહકાર કમીટીનાં સુરેશભાઇ દેસાઇ, રવિભાઇ પટ્ટણી, નિલેશભાઇ જાની, ઉમંગભાઇ છાંટબાર, રાજનભાઇ જાની, અતુલભાઇ ચૌહાણ સહિતનાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.

જેમાં લઘુ અખબારોને વારંવાર અપાતી મુશ્કેલીઓનું નિરાકરણ કરવા રાજયના સંયુકત માહિતી નિયામકશ્રીને રજૂઆત કરી હતી.

રજૂઆતમાં જણાવ્યુ છે કે, ગુજરાત સરકારશ્રીની માન્ય જાહેરાત મેળવતા સાપ્તાહિક-પાક્ષિક અખબારોને તાજેતરમાં માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર તરફથી જારી કરેલ તા. ૧૩-૧-ર૦ર૧ ના પરિપત્રમાં કાગળોના તેમજ પ્રીન્ટીંગના જી. એસ. ટી. બીલોની માંગણી કરેલ છે જે હકિકતે લઘુ અખબારો (સાપ્તહિક-પાક્ષિક) તે જી. એસ. ટી. ના દાયરમાં આવતા ન હોય જેથી તે માહિતી નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર તરફથી જારી કરેલ તા. ૧૩-૧-ર૦ર૧ નો પરિપત્ર રદ કરવો.

રાજય સરકાર દ્વારા લઘુ અખબારોને ટકાવી રાખવાની પ્રોત્સાહક નીતિ દ્વારા વાર્ષિક જાહેરાતોની સંખ્યામાં અવાર - નવાર કટોતીની નીતિ અપનાવાતી હોય છે જેનો માહિતી ખાતા દ્વારા સરળ માર્ગ કરી વાર્ષિક જાહેરાતોમાં હાલમાં મળતી જાહેરાતોમાં ઉમેરો કરી વાર્ષિક ર૪ જેવી જાહેરાતો આપવા તેમજ લઘુ અખબારોને જીવંત રાખવા જાહેરાતોના દરોમાં વધારો કરવો.

ગુજરાત સરકાર તરફથી અગાાઉ લઘુ અખબારોના પ્રતિનિધીઓના પરિવારો સાથેન પ્રવાસનું જિલ્લા તથા રાજય કક્ષાએથી આયોજન માહિતી ખાતા દ્વારા થતું જે ઘણાં લાંબા સમયથી બંધ હોય જે પત્રકારોનાં પ્રવાસનું આયોજન ફરી શરૂ કરવા.

રાજયના માન્ય સીનીયર સીટીઝન પત્રકારોને પેન્શન આપવા અંગે અન્ય રાજયો માફક જોગવાઇ કરવી.

અમરેલીમાં માન્ય પત્રકારોની પ્રેસ  કોલોનીનું નિર્માણ કરવું.

છેલ્લા થોડા સમયથી રાજય સરકાર તેમજ ગત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં સાપ્તાહિક અખબારોના માન્ય પ્રતિનીધીઓને ચૂંટણી પ્રવેશ તથા મતગણતરીના પાસ અપાતા ન હોય જે ફરી શરૂ કરવા માંગ કરી છે.

(12:55 pm IST)