સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 22nd April 2021

લીલાવતી અતિથિગૃહમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવાનો શ્રી સોમનાથ ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય

વેરાવળ-પ્રભાસ પાટણ,તા. ૨૨: હાલની કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાતમાં રાખી શ્રી સોમનાથ ટ્રસટ દ્વારા જીલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી આરોગ્ય વિભાગની જરૂરીયાત મુજબ શ્રી લીલાવતી અતિથિભવનમાં કોવિડ કેર સેન્ટરની સુવિધા શરૂ કરવામાં આવી છે, શ્રી લીલાવતી અતિથિભવનમાં એટેચ ટોઈલેટ બાથરૂમવાળા ૭૩ રૂમો, આરોગ્ય સ્ટાફ તેમજ દર્દીઓ માટે ચા/નાસ્તો, ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા પીવા માટે આર.ઓ. પાણી દરેક રૂમોમાં ટીવી કેબલ કનેકશન સાથેની વ્યવસ્થા પણ છે. વિશેષમાં સ્થાનિકો માટે પણ કવોરન્ટાઈન થયેલ પરિવાર માટે ટીફીન સેવા પણ શરૂ કરવામાં આવી છે. ટીફિન સેવા માટે દિનેશભાઈ મારૂ, કેરટેકરશ્રીનો  ૯૪૨૮૨ ૧૪૮૧૦ ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

ગત વર્ષે પણ શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટનું શ્રી લીલાવતી અતિથિભવન, તેમજ સાંસ્કૃતિક ભવન પણ કોવિડ કેર સેન્ટર માટે આરોગ્ય વિભાગને આપવામાં આવેલ હતું. તેમજ આરોગ્ય સ્ટાફ તેમજ દર્દીઓ માટે ચા/નાસ્તો, ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. વિશેષમાં આસપાસના વિસ્તારોમાં જરૂરીયાતમંદોને ભોજન પણ સ્થાનિક ડોંગરેજી મહારાજ અશક્ષેત્ર સાથે મળીને વ્યવસ્થા કરી હતી. બહારના રાજયમાંથી આવેલ માછીમારો, સ્થાનિક નાના ધંધાર્થીઓને પણ રાશનકીટ આપી ટ્રસ્ટ દ્વારા મદદ કરવામાં આવી હતી.

ટ્રસ્ટી મંડળની સુચના મુજબ હાલની પરિસ્થિતિએ જે પણ મદદ થાય તે કરવા માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ, જીલ્લા વહીવટી તંત્રના સંકલનમાં રહી સેવા પુરી પાડશે. હાલની કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખી સૌને શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી અપીલ કરવામાં આવે છે કે, બીનજરૂરી બહાર ન નીકળવું, સામાજીક અંતર જાળવવું, માસ્ક ફરજીયાત પહેરવું, તેમજ વારંવાર હાથની સફાઈ કરતા રહેવું, સરકારશ્રીની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા વિનંતી છે.

(10:29 am IST)