સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 22nd May 2022

હળવદ દુર્ઘટનામાં મૃતકોના નિરાધાર બાળકોને તાત્કાલીક સહાય યોજના મંજૂર કરી મંજૂરીપત્રો એનાયત કરાયા.

મોરબી જિલ્લાના હળવદ જીઆઇડીસી ખાતે બનેલ દુર્ઘટનામાં અવસાન પામેલ ૧૨ શ્રમિકોના દુઃખદ અવસાન થયા હતા. જેમાં પાંચ બાળકો અનાથ (માતા-પિતા બન્ને ગુમાવેલ) થયા હતા. જિલ્લા કલેક્ટર જે. બી. પટેલની રાહબરી હેઠળ સમગ્ર વહિવટી તંત્રએ સંવેદનશીલ અભિગમ દાખવીને શ્રમિકોના પરિવારજનો તેમજ અનાથ બાળકોને લાગુ પડતી તમામ યોજનાઓ અને સહાય ચૂકવવા માટે સુચના આપવામાં આવી હતી.
આ પ્રકારની દુઃખદ ઘટનામાં જિલ્લા વહિવટી તંત્રએ સંવેદનશીલતા દાખવીને જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ મોરબી દ્વારા પાલક માતા પિતા યોજના અંતર્ગત અનાથ થયેલા પાંચ બાળકોને તાત્કાલીક યોજના મંજૂર થાય તે માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી અનીલાબેન પીપળીયા દ્વારા આ મુદ્દે ટોંચ અગ્રતા આપીને તાત્કાલીક સહાય મંજૂર થાય તે માટે જરૂરી આધારો સાથે રાજ્ય સરકારમાં દરખાસ્ત કરવામાં આવી હતી. જેની મંજૂરી મળતા જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે સહાયના મંજૂરીપત્રો, બાળકોને શિક્ષણ કીટ એનાયત કરીને પરિવારજનોના દુઃખમાં સહભાગી થયા હતા.
આ તકે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, જે દુર્ઘટનામાં ઘટી તેમાં પાલક માતા પિતા તરીકેની જવાબદારી સરકારશ્રીએ લીધી છે. અને દર મહિને ત્રણ હજાર રૂપિયા જમા કરાવવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ તેમની મુલાકાત વેળાએ પણ વહિવટી તંત્રને પરિવાર પ્રત્યે સંવેદના દાખવીને જરૂરી તમામ પ્રકારની સહાય આપવા માટે તાકીદ કરી હતી. રાજ્ય સરકાર પરિવારની પડખે જ છે અને પરિવારને આર્થિક અને સામાજિક હૂફના પરિપાક રૂપે રાજ્ય સરકારે તાત્કાલીક પાલક માતા પિતા અન્વયે સહાય મંજૂર કરી છે. આ તકે મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ સમગ્ર કામગીરી બદલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અનીલાબેન પીપળીયા તેમજ સમગ્ર વહિવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
આ તકે પોતાની સંવેદના વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ભગવાન ક્યારેય કોઇની આવી કસોટી ન કરે. પરિવારના મોભી ગુમાવેલ બાળકો ભવિષ્યમાં તેજસ્વી બને અને પોતાની શ્રેષ્ઠ કારકિર્દી બનાવે તેવી મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ અભિલાષા વ્યક્ત કરી હતી.
પાલક માતા-પિતા યોજના અંતર્ગત આશાબેન ડાયાભાઇ ભરવાડ, ઊર્મિલાબેન ડાયાભાઇ ભરવાડ, હરિભાઇ ડાયાભાઇ ભરવાડ, પપ્પુભાઇ ડાયાભાઇ ભરવાડ અને લક્ષ્મી દિલીપભાઇ કોળીને મંજૂરી પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. આ યોજના અંતર્ગત લાભાર્થી બાળકના બેન્ક ખાતામાં રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીની ઉમર ૧૮ વર્ષની થાય ત્યાં સુધી દર મહિને ત્રણ હજાર રૂપિયા જમા કરાવવામાં આવશે

(10:48 pm IST)