સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

નજીવી બાબતે પતિએ પત્નીની હત્યા કરી લાશ દાટી દીધી

અમરેલી જિલ્લાના ભાણિયા ગામની કમનસીબ ઘટના : એક મહિના પહેલાં વાવાઝોડામાં ઘરનો માલ-સામાન મુકવા બાબતે પતિ-પત્ની સામાન્ય બોલાચાલી થઈ હતી

અમરેલી, તા.૨૧ : અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ભાણિયા ગામે સામાન્ય બોલાચાલીમાં પતિએ પત્નીની હત્યા કરીને લાશને દાટી દીધી હોવાની ઘટનાનો એક મહિને પર્દાફાશ થયો છે. મીડિયા રિપોર્ટ મુજબ એક મહિના પહેલા વાવાઝોડામાં ઘરનો માલ-સામાન મુકવા બાબતે પતિ-પત્ની સામાન્ય બોલાચાલી થઈ હતી.

જેમાં પતિએ ઉશ્કેરાઈને પત્નીને મોતને ઘાટ ઉતારી હતી અને બાદમાં લાશને વાડીની બાજુમાં ખાડો ખોદી દાટી દીધી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને ખાડામાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો છે અને આરોપી પતિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ખાંભાના ગીદરડી ગામની વિલાસબેન કાપરીયા નામની યુવતીએ ૬ વર્ષ પહેલા ભાણિયા ગામનાં હનુ ભીખા ખસીયા નામનાં યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. થોડા સમય પહેલા ત્રાટકેલા વાવાઝોડામાં વાડીએ આવેલી ઓરડી પડી ગઈ હતી. જેમાં દટાઈ ગયેલો ઘરનો સામાન બહાર કાઢવા અંગે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી.

જેમાં પતિએ ઉશ્કેરાઈ જતાં પત્નીની હત્યા કરી નાખી હતી. જો કે, પુરાવાનો નાશ કરવા માટે પતિએ પત્નીની લાશને વાડીની બાજુમાં ખાડો ખોદીને દાટી દીધી હતી. હત્યાને અંજામ આપ્યા બાદ કોઈને શંકા ન થાય તે માટે પતિ કામ-ધંધો કરવા લાગ્યો, આ દરમિયાન મૃતક વિલસબેનના ભાઈ અશ્વિન ૫ દિવસ પહેલા બહેનને મળવા આવ્યા હતા.

 ત્યારે બનેવીએ જણાવ્યું હતું કે તમારી બહેન વાવાઝોડા બાદ કયાંક જતી રહેલ છે. જો કે ભાઈએ બહેનની તપાસ કરતાં તેના બનેવીએ જ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ભાઈએ બહેનની હત્યા થઈ હોવાની આશંકા તપાસ માટે કરવા પોલીસમાં અરજી આપી હતી.

અરજી મળ્યા બાદ ખાંભા પોલીસે તપાસ હાથ ધરતા વિલાસબેનની હત્યા કર્યા બાદ લાશને વાડીનાં શેઢા પાસે દાટી દીધી હોવાની હકીકત જાણવા મળી હતી.

ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ખાડો ખોદી લાશને બહાર કાઢી પીએમ અર્થે મોકલી હતી અને હત્યારા પતિની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી હતી. જેમાં પતિએ કબૂલ્યું કે, તેણે જ હત્યા કરીને લાશને ખાડામાં દાટી દીધી હતી. સમગ્ર મામલે ફરિયાદ નોંધીને પોલીસે હત્યારા પતિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(9:19 pm IST)