સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

કોડીનારના પીપળીમાં મરણમૂડી સમાન મિલ્કતો વેંચી છતાં ૨ સગા ભાઇઓના કોરોનામાં મોત થયા

શારીરિક અશકત વૃધ્ધ પિતા ઉપર બંને પુત્રના પરિવારની જવાબદારી આવી પડી

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા.૨૧ : સમગ્ર વિશ્વમાં કોરોના એ જયારે કાળોકેર વાર્તાવ્યો છે અનેક પરિવારોને વેરવિખેર કરી નાખ્યા છે ત્યારે કોડીનાર તાલુકાના નાના એવા પીપળી ગામે કોરોના એ માત્ર ૨૪ દિવસમાં ૨ સગા ભાઈઓનો ભોગ લેતા ગામ માં ભય સાથે ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી છે.

પીપળી ગામે રહેતા ખેતી કરી ગુજરાન ચલાવતા કારડીયા રાજપૂત લક્ષમણભાઈ ગોહિલ ના ભાવનગર ખાતે જી.એમ.ડી.સી પ્રોજેકટ માં ઓવેરમેન તરીકે ની પોસ્ટ પર ફરજ બજાવતા વિજય(ઉ.વ.૪૦) ને કોરોના પોઝિટિવ આવતા તેઓ ને ભાવનગર ખાતે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરતા તેમના મોટા ભાઈ જગદીશભાઈ તેમની મદદે ગયા હતા વિજયભાઈ ની વધુ તબિયત લથડતા તેઓને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ૪૩ દિવસની સારવાર બાદ તેઓ કોરોના સામેની જંગ હારી ગયા અને મોતને ભેટ્યા હતા. જે દરમ્યાન તેમના મોટાભાઈ જગદીશભાઈ(ઉ.વ ૪૪) પણ સંક્રમિત થતા તેઓને પણ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરતા તેઓ પણ ૩૮ દિવસની સારવાર બાદ તેઓ પણ કોરોના સામેની જંગ હારી જતા તા.૨૦ના રોજ મોતને ભેટતા માત્ર ૨૪ દિવસમાં કોરોના એ બન્ને સગા ભાઈઓને પરિવારથી છીનવી લેતા શારીરિક અશકત વૃદ્ઘ માતા પિતાએ બંને વ્હાલસોયા પુત્રોને તેમજ ૩ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતાં નાના એવા પીપળી ગામમાં તેમજ કારડીયા રાજપૂત સમાજમાં શોક પ્રસરી ગયો છે. આ આશાસ્પદ યુવાનોના દુઃખદ અવસાનમાં લોકો એ પરિવારને શાંત્વના આપવા શબ્દો મળતાં નથી.

અત્રે ઉલ્લેખનીય છેકે વિજયસિંહ નોકરી સાથે કલાસ-૨ પણ પૂર્ણ કરેલ જયારે જગદીશભાઈ કોમ્પ્યુટર શિક્ષક હોય આ બંને ભાઈઓ જ પરિવારના આધાર સ્તંભ હોય બંનેની લાંબી અને અતિખર્ચાળ સારવાર માટે પરિવારની આજીવિકા અને મારણમૂડી સમાન મિલકત પણ વેચવાનો વારો આવ્યો છે. અને આ કુટુંબ નિરાધાર બન્યું છે અને આજીવિકાનો પણ કોઈ વિકલ્પ રહ્યો નથી.

(12:14 pm IST)