સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા જગદીશ ઠાકોરને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો

જગદીશે કહ્યું-મિત્ર ભરતને જુનુ મનદુઃખ ચાલતું હતું, એ ગુલ્ફી લેવા નીકળ્યો ને હુમલો થયોઃ હું વચ્ચે પડતાં ટોળુ મારા પર તૂટી પડ્યું : ભરત પરમારની હત્યાથી ચાર સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી

રાજકોટ તા. ૨૨: મોરબીના ધરમપુરમાં પરમાર-ઠાકોર યુવાનની હત્યા થઇ જતાં અરેરાટી વ્યાપી ગઇ છે. તેને બચાવવા ગયેલા મિત્ર રિક્ષાચાલક જગદીશ ઘુઘાભાઇ ઠાકોર (ઉ.વ.૨૭) ઉપર પણ ટોળાએ હીચકારો હુમલો કરી પાઇપ-ધોકાના આડેધડ ઘા ફટકાર્યા હોઇ માથા-બંને હાથ-પગ અને શરીરે ઇજાઓ થતાં તેને મોરબી સારવાર અપાવી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

જગદીશના કહેવા મુજબ મારી બાજુમાં જ રહેતાં મિત્ર ભરત રમેશભાઇ પરમારને જુનુ મનદુઃખ ચાલતું હતું. ગઇકાલે તે ઘરેથી નજીકમાં મહારાજની દૂકાને ગુલ્ફી લેવા ગયો ત્યારે તેના પર ઓચિંતો હુમલો થઇ ગયો હતો. દેકારો સાંભળી હું તેને બચાવવા દોડી જતાં મારા પર પણ હુમલો થયો હતો. હત્યાનો ભોગ બનનાર ભરત પણ રિક્ષા હંકારતો હતો. તેની પત્નિનું નામ મંજુબેન છે અને તેને સંતાનમાં બે પુત્ર તથા બે પુત્રી છે. ભરતની હત્યાથી આ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવી છે.  ભરત પાંચ બહેન અને ત્રણ ભાઇમાં મોટો હતો.

(1:23 pm IST)