સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 22nd June 2021

જામનગર યૌન શોષણ કેસમાં ફરિયાદ ન નોંધાય ત્યાં સુધી મહિલાઓના ધરણાઃ ભાજપ મહિલા અગ્રણી શેતલબેન શેઠ અને કોંગ્રેસના અગ્રણીઓ ન્યાયની માંગ સાથે એક સાથે આંદોલનમાં : તપાસ સમિતિએ રીપોર્ટ રાજ્યના આરોગ્ય કમિશ્નરને સોંપી દીધો

જામનગર, તા. ૨૨ :. જામનગરમાં આવેલી જી.જી.હોસ્પિટલમાં યૌન શોષણ મામલે શહેરના લાલબંગલા સર્કલ ખાતે મહિલા ન્યાય મંચ દ્વારા ધરણા શરૃ કરાયા છે. સપ્તાહ બાદ પણ પોલીસ ફરિયાદ નહિ લેવાતા આક્રોશ સાથે લાલ બંગલા સર્કલ ખાતે ધરણા યોજી મહિલા ન્યાય મંચ દ્વારા જુદા-જુદા બેનરો સાથે મહિલાઓ ધરણા પર બેઠા છે. અને જયાં સુધી ફરિયાદ નહિ નોંધાઈ ત્યાં સુધી મહિલાઓના ધરણા શરૃ રાખવાની ચીમકી આપવામાં આવી છે.

ભાજપના મહિલા અગ્રણી અને ભાજપના કારોબારી સભ્ય શેતલબેન શેઠની આગેવાનીમાં મહિલા ન્યાય મંચ જામનગર દ્વારા આ આંદોલન શરૃ કરાયુ છે. જેમાં મહિલાઓ અને પુરૃષો જોડાયા છે. તેમજ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પણ આ આંદોલનને ટેકો આપ્યો છે અને આંદોલનમાં જોડાયા છે.

આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદના મહિલા પાંખના નિમીષાબેન ત્રિવેદી, આરતીબેન ઠાકુર સહિતના જોડાયા છે.

આ પ્રકરણનો રીપોર્ટ તપાસ સમિતી દ્વારા રાજ્યના આરોગ્ય કમિશ્નરને સોંપી દેવામાં આવ્યો છે. જે અંગે ટૂંક સમયમાં કોઈ નિર્ણય લઈ ફરીયાદની તજવીજ હાથ ધરાઈ તેવી શકયતા છે.

આરોપીઓ સામે એફઆઈઆર દાખલ કરોના પ્લેકાર્ડ સાથે ધરણા શરૃ કરવામાં આવ્યા છે અને જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. (અહેવાલ ઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(4:06 pm IST)