દૂધરેજ કેનાલનું છેલ્લુ લોકેશન મળ્યાના અમદાવાદની પાંચ દિ'થી ગૂમ પરિણીતાની ઘટનામાં સાસરિયા સામે રાવ
પતિ મોબાઇલમાં ગંદી વિડીયો કિલપ જોઇ ઓરલ સેકસ, સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરાવતો : ચકચાર
વઢવાણ તા. ૨૨ : અમદાવાદથી છેલ્લા પાંચ દિવસથી ગૂમ પરિણીતાનું છેલ્લુ લોકેશન દૂધરેજ કેનાલે મળ્યા બાદ હજુ પણ તે ગૂમ છે. ત્યારે આ પ્રકરણમાં નવો વણાંક આવ્યો છે. પરિણીતાના પિતાએ તેણીના સસરા અને પતિ સહીત ૮ સભ્યો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે.
અમદાવાદના નવા નરોડાની કર્મશકિત પાર્ક સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી પિતાના ઘેર રહેતી સોનલબેન ગઢવી નામની પરિણીતા મરવા માટે ઘરેથી નીકળી પિતાને ઓડીયો મેસેજ દ્વારા જાણ કરી હતી. તા. ૧૫ જુલાઈના રોજ આ પરિણીતાનું છેલ્લુ લોકેશન સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલનું મળતા પરિણીતાના પિતાએ સુરેન્દ્રનગર પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતા કેનાલમાં તેની શોધખોળ કરવામાં આવી હતી. જેમાં આજ દિવસ સુધી પરિણીતાનો પતો ન મળતા તેણી ગૂમ છે.
દરમિયાનમાં, આ પ્રકરણમાં પરિણીતાના પિતા ગિરીશદાન શંકરદાન ગઢવીએ દિકરીના પતિ ધર્મેન્દ્ર પ્રતાપદાન ગઢવી, સસરા પ્રતાપદાન ગઢવી, સાસુ કલાબા ઉર્ફે કૈલાસબેન ગઢવી, દિયર શૈલેશ પ્રતાપદાન ગઢવી, નણંદોઈ ગજેન્દ્રભાઈ ગઢવી, મનીષાબેન ભરતભાઈ ગઢવી અને ભરતભાઈ ગઢવી સહીત આંઠ વ્યકિત સામે અમદાવાદ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે, જેમાં પતિ, સાસુ - સસરા, નણંદો સહીતના સાસરીયાઓ દ્વારા અવાર નવાર મેણા - ટોણા મારી શારીરીક અને માનસીક ત્રાસ ગુજારવામાં આવ્યો હોવાની, વારંવાર દહેજની માંગણી કર્યાની, ગાળો દઈ નોકરાણી જેવુ વર્તન કર્યાની ફરીયાદ કરી છે. સાથે સોનલબેનનો પતિ મોબાઈલમાં ગંદી વિડીયો કલીપ જોઈને મરજી વિરૂધ્ધ તે કલીપો મુજબનું વર્તન કરાવતો હોવાનું, બળજબરી પૂર્વક ઓરલ સેકસ અને સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરાવતો હોવાનું પણ ફરીયાદમાં જણાવાયુ છે. પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.